અમદાવાદ : આજથી અમદાવાદનો વાડજ ઓવરબ્રિજ લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે, જેનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.106 કરોડના ખર્ચે અને 735 મીટરની લંબાઈ સાથે તૈયાર થયેલા આ બ્રિજથી વાડજ-ગાંધીઆશ્રમ માર્ગ પર ટ્રાફિકનું ભારણ ઘટશે, જેના કારણે આશરે બે લાખ જેટલા વાહનચાલકોને રોજિંદા ટ્રાફિકમાંથી મોટી રાહત મળશે. લોકાર્પણ વિધિ બાદ મુખ્યમંત્રીએ જાતે પગપાળા ચાલીને આ નવા બ્રિજની મુલાકાત પણ લીધી હતી.
રિપોર્ટ મુજબ, આજે સવારે મુખ્યમંત્રી દ્વારા વાડજ જંકશન-મકરબા ઓવરબ્રિજ સહિત ₹584 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું. શાહીબાગ અને થલતેજમાં આવાસ યોજનાના મકાનો, ફાયર બ્રિગેડના સાધનોનું પણ લોકાર્પણ કરાયું છે. નવા બસ સ્ટેશનના ચાર્જિંગ સ્ટેશન અને બસ ડેપોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું. આ ઉપરાંત આવાસોના ડ્રો તેમજ સહાયક ટેકનિકલ સુપરવાઇઝર અને જુનિયર ક્લાર્કને નિમણૂક પત્ર એનાયત કરાયા.
વાડજ જંકશન પર મ્યુનિસિપલ કોર્પોરેશને રૂ.106 કરોડના ખર્ચે ફોર લેન ઓવરબ્રિજ બનાવ્યો છે. આ બ્રિજ બનવાથી ઉસ્માનપુરા, રાણીપ, ગાંધીઆશ્રમ, ભીમજીપુરા, શાહીબાગ આવતા જતા વાહન ચાલકોને રાહત થશે. વાડજ સર્કલ પરની વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યાનો પણ અંત થશે અને અંદાજિત 1.50 લાખ વાહન ચાલકોને તેનો લાભ થશે.
વાડજ જંકશન પર બનેલા ઓવરબ્રિજના બે ફાંટા પડશે. એક ફાંટો ઉસ્માનપુરાથી રાણીપ તરફ આશરે 700 મીટર તથા 15 મીટર પહોળાઈમાં ફોરલેન તથા બીજો ઉસ્માનપુરાથી ગાંધી આશ્રમ તરફ અંદાજિત 365 મીટર તથા 5.5 મીટર પહોળાઈમાં બનાવાયો છે. મકરબા ઓવરબ્રિજ 800 મીટરથી વધુ લાંબા મકરબા રેલવે ઓવરબ્રિજ પાછળ 98.60 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. બ્રિજ શરૂ થયા બાદ સરખેજ જુહાપુરાથી એસજી હાઇવે તરફ જવા માટે અને એસજી હાઇવેથી સરખેજ-જુહાપુરા જવા માટે અંદાજે 1.5 લાખ વાહનચાલકોને રાહત મળશે.
બોડકદેવ પંડિત દીનદયાલ હોલ ખાતેથી મકરબા ઓવરબ્રિજ સહિત 584 કરોડના વિવિધ વિકાસ કાર્યોના ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું છે. ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત ઘુમા ગામ ખાતે સઘન સફાઈ કાર્યક્રમ યોજાશે. જે બાદ ઘુમાની એમ.કે. પટેલ અનુપમ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.


