અમદાવાદ : અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન પરથી ભારતીય રેલવેના ઇંધણ ક્ષેત્રમાં એક નવી પહેલની શરૂઆત થઈ છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે 27 સપ્ટેમ્બર 2026ના રોજ દેશની પ્રથમ LNG આધારિત ટ્રેનને લીલી ઝંડી આપી. આ ટ્રેનની સૌથી ખાસ બાબત તેની ડ્યુઅલ-ફ્યુઅલ ટેકનોલોજી છે. એટલે કે ટ્રેનના એન્જિનમાં LNG અને ડીઝલ બંનેનો ઉપયોગ થઈ શકે છે.ભારતીય રેલવેએ પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી ઊર્જાના ક્ષેત્રમાં વધુ એક મજબૂત કદમ ઊઠાવ્યું છે, જે અંતર્ગત આજે અમદાવાદમાં LNG ટ્રેનનો શુભારંભ કરવામાં આવ્યો છે.
રિપોર્ટ મુજબ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 27 સપ્ટેમ્બરના રોજ અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનથી દેશની સર્વપ્રથમ LNG સંચાલિત ટ્રેનને લીલી ઝંડી બતાવીને શુભારંભ કરાવ્યો છે. આ નવી ટ્રેનમાં અત્યાધુનિક ડ્યુઅલ ફ્યુઅલ ટેકનોલોજી ધરાવતું એન્જિન વાપરવામાં આવ્યું છે. વિગતે વાત કરવામાં આવે તો, આ એન્જિન લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) અને ડીઝલ બંને પર ચાલવા માટે સક્ષમ છે. ડીઝલના વપરાશમાં નોંધપાત્ર ઘટાડો થવાને કારણે આ ટ્રેનમાંથી કાર્બન ઉત્સર્જન ખૂબ જ ઓછું થશે, જે વાયુ પ્રદૂષણને અટકાવવામાં મોટી મદદ કરશે.
રેલવે દ્વારા આ ટેકનોલોજીનું 2,000 કિલોમીટરથી વધુનું ફિલ્ડ ટ્રાયલ પૂર્ણ કરવામાં આવ્યું છે. ટ્રાયલનો હેતુ નવી સિસ્ટમની વિશ્વસનીયતા, કામગીરી અને સલામતી ચકાસવાનો હતો. રેલવે અનુસાર LNGના ઉપયોગથી ડીઝલની ખપતમાં આશરે 40 ટકા સુધી ઘટાડો થઈ શકે છે. આ ઉપરાંત ઇંધણ ખર્ચમાં પણ બચત થવાની શક્યતા છે. આ ટેકનોલોજી કાર્બન ડાયોક્સાઇડ (CO₂), નાઇટ્રોજન ઓક્સાઇડ (NOx), અને કણ પદાર્થ (PM) જેવા પ્રદૂષકોને ઘટાડવામાં મદદ કરી શકે છે. તેથી, આ પહેલનો હેતુ સ્વચ્છ અને પર્યાવરણને અનુકૂળ રેલ પરિવહનને પ્રોત્સાહન આપવાનો છે.
સાબરમતીથી શરૂ કરાયેલી આ ટ્રેન નવીનતમ ક્ષમતા અને પાવર સાથે તૈયાર કરવામાં આવી છે. એટલે કે, ડ્યુઅલ ફ્યુઅલ ટેકનોલોજી હોવા છતાં ટ્રેનની ઝડપ (Speed) અને ખેંચાણ ક્ષમતા (Power)માં કોઈ જ સમજૂતી કરવામાં આવી નથી, તે સામાન્ય ટ્રેનની જેમ જ ઝડપી સેવા આપશે. ભારતીય રેલવે દ્વારા વર્ષ 2030 સુધીમાં ‘નેટ ઝીરો કાર્બન ઉત્સર્જન’ (Net Zero Carbon Emitter) બનવાના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે આ ટેકનોલોજી અત્યંત મહત્વની સાબિત થશે.
ભારતીય રેલવે દ્વારા LNG ડ્યુઅલ-ફ્યુઅલ ટેકનોલોજી અપનાવવી સ્વચ્છ ઉર્જા, ઇંધણ બચત, સંચાલન ખર્ચમાં ઘટાડો અને પર્યાવરણીય સંરક્ષણ તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. આ ટેકનોલોજી ભવિષ્યમાં વધુ ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ રેલ્વે પરિવહન પ્રણાલી વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.આ ટ્રેનની શરૂઆત સાથે જ ભારતીય રેલવેના ઈતિહાસમાં એક નવો સુવર્ણ અધ્યાય ઉમેરાયો છે. ભારત પ્રતિદિન આવી પ્રગતિ કરી રહ્યું છે, તેમાં આજે ફરી એક નવી સિદ્ધિ મળી છે.
અમિત શાહના હસ્તે માત્ર LNG ટ્રેનનો જ નહીં, પરંતુ 1542 કરોડથી વધુની વિવિધ રેલવે પરિયોજનાઓનું પણ લોકાર્પણ અને ખાતમુહર્ત કરવામાં આવ્યું. આ પ્રવૃત્તિઓમાં WAG 12 લોકોમોટિવ મેન્ટેનન્સ શેડનું લોકાર્પણ મુખ્ય હતું, જે 700 કરોડના ખર્ચે સાબરમતીમાં તૈયાર કરવામાં આવ્યો છે. આ શેડ આધુનિક લોકોમોટિવ્સના મેન્ટેનન્સ માટે અત્યાધુનિક સુવિધાઓ પૂરી પાડશે. આ ઉપરાંત, સાબરમતી-સરખેજ લાઇનના ડબલિંગનો પણ શિલાન્યાસ કરવામાં આવ્યો, જે રેલવે કનેક્ટિવિટી અને ક્ષમતામાં સુધારો કરશે.
રેલવે સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે 404 કિલોમીટર રેલ ખંડ પર કવચ સિસ્ટમ લાગુ કરવાની પણ જાહેરાત કરવામાં આવી. કવચ સિસ્ટમ એ એક સ્વદેશી રીતે વિકસિત ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન (ATP) સિસ્ટમ છે જે ટ્રેનોને અથડામણથી બચાવવામાં મદદ કરે છે અને સુરક્ષા સુનિશ્ચિત કરે છે.
આ તમામ વિકાસ કાર્યો ભારતીય રેલવેને આધુનિક, સુરક્ષિત અને પર્યાવરણ-મૈત્રીપૂર્ણ ભવિષ્ય તરફ દોરી જશે, જે દેશના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અમિત શાહે એક જાહેર સભાને પણ સંબોધી હતી, જેમાં તેમણે આ વિકાસ કાર્યોની રૂપરેખા અને તેના ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. ભારતીય રેલવેની આ પહેલ Sustainable Transport અને Clean Energy ના ક્ષેત્રે એક પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડે છે.


