અમદાવાદ : અમદાવાદ શહેર પોલીસે એક અનોખી પહેલ હાથ ધરી છે. જેમાં ટ્રાફિક સિગ્નલ પર ભિક્ષાવૃત્તિ કરતા બાળકોને શોધી તેમના પરિવારની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસે બાળ સુરક્ષા અધિકારીઓ સાથે મળીને ‘ઓપરેશન ટ્રાફિક સિગ્નલ’ નામનું ‘મહાઅભિયાન’ શરૂ કર્યું છે. પોલીસનો આ માનવલક્ષી પ્રોજેક્ટ હાલ શહેરના એસજી હાઇવે અને પોશ વિસ્તાર ગણાતા એવા સિંધુભવન વિસ્તારમાં ખાનગી રીતે ચલાવવામાં આવી રહ્યો છે. જેમાં એક જ દિવસમાં પોલીસને ચાર બાળકો હાથ લાગ્યા હતા. જેને લઇને ચાઇલ્ડ વેલફેર કમિટીને જાણ કરી સંરક્ષણ ગૃહમાં આ બાળકોને મોકલવામાં આવ્યા હતા.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ પોલીસે બાળ તસ્કરી કરીને ભીખ મંગાવતી ગેંગને ધ્યાનમાં રાખીને બાળ સુરક્ષા અધિકારીઓ સાથે મળીને ‘ઓપરેશન ટ્રાફિક સિગ્નલ’ શરૂ કર્યું છે. ગઈ કાલે પશ્ચિમ વિસ્તારમાં આવેલા ટ્રાફિક સીગ્નલ પર પોલીસે સર્ચ કર્યું હતું અને ચાર બાળકોને રેસ્ક્યૂ કર્યાં હતાં. મેગા સીટી અમદાવાદમાં એક બાજુ શોપિંગ મોલ અને મલ્ટીપ્લેક્સની ચમક-દમક છે તો બીજી બાજુ ટ્રાફિક સિગ્નલ પર અનેક જગ્યાએ ભીખ માગતાં માસૂમ બાળકો પણ જોવા મળે છે. રસ્તા પર ક્યાંક મહિલાઓ હાથમાં બાળકને તેડી ભીખ માગતી ફરતી હોય છે. મિસિંગ ચાઇલ્ડના ફોટોગ્રાફ્સને ભિક્ષુક બાળકો સાથે મેચ કરાશે.જે બાળકો ટ્રાફિક સિગ્નલ પર ભીખ માગતાં મળી આવે છે તેમનાં માતા-પિતાનો સંપર્ક કરવામાં આવશે. જો બાળકોનાં માતા-પિતા બોગસ હશે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
ઓપરેશન વખતે કોઈ બાળકો કે તેમના પરિવારજનો ડરી ન જાય તે માટે પોલીસ ખાનગી ગાડી અને ખાનગી કપડામાં ભાળ મેળવવા પહોંચી રહી છે. અમદાવાદના સિંધુભવન રોડ કે એસજી હાઇવે પર જ્યાં વીવીઆઇપી લોકોની ગાડી ઉભી રહે તેવાં જ આ ભિક્ષાવૃત્તિ કરતા લોકો પહોંચી જાય છે. કોઇક ગાડીના કાચ સાફ કરે છે તો કોઇ વસ્તુઓ વેચી ભિક્ષાવૃત્તિ તથા કમાણી કરતા જોવા મળતા હોય છે. ખાનગી ડ્રેસમાં પહોંચેલ પોલીસની ટીમ દ્વારા એક પરિવારની ભાળ મેળવી હતી. સતત આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી તેમણે આવા અનેક બાળકોને શોધી કાઢ્યા હતા.
એક રિપોર્ટ મુજબ પોલીસ કમિશનર અને સેક્ટર 1ના એડિશનલ સીપી નિરજ બડગુજરે ઝોન 1 અને ઝોન 7માં આવતા 15 પોલીસ સ્ટેશનની એક ટીમ તૈયાર કરી છે. તેમાંય ખાસ એસજી હાઇવે પરના સરખેજ, બોડકદેવ, સેટેલાઇટ, આનંદનગર, સોલા, વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના સ્ટાફને એક ટાસ્ક સોંપ્યો છે.ઓપરેશન ટ્રાફિક સિગ્નલ શરૂ કરી પોલીસ સવારથી રાત સુધી આવા ભિક્ષાવૃત્તિ કરતા લોકો સુધી પહોંચી રહી છે અને આવા બાળકોને બચાવવાની માનવલક્ષી કામગીરી અમદાવાદ પોલીસે હાથ ધરી છે.