ગાંધીનગર : શક્તિપીઠ અંબાજીના માઈભક્તો માટે એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે. ભક્તોને હવે કદાચ ક્યારેય મોહનથાળનો પ્રસાદ નહી મળે. રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે આજે એક નિવેદન આપીને ગરમાવો લાવી લીધો છે. તેમણે જણાવ્યું કે અંબાજીમાં હાલ ચીકીનો જ પ્રસાદ વેચાશે.
અંબાજી પ્રસાદ વિવાદ મામલે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પોતાની પ્રતિક્રિયા આપી દીધી છે. તેમણે જણાવ્યું હતું કે, મોહનથાળ ઉપવાસમાં લઈ શકાતો નથી. એટલું જ નહીં, મોહનથાળ પ્રસાદ લાંબો સમય સાચવી પણ રાખી શકાતો નથી. પ્રસાદ એ સ્વાદ માટે નહીં પણ પ્રસાદ માટે છે. મંદિરે નક્કી કર્યું છે કે હાલ ચીકીનો જ પ્રસાદ વેચાશે. સ્પેશિયલ ચીકી, માવાની ચીકી છે તે ફરાળમાં લઇ શક્ય તેવો પ્રસાદ છે. દેશ વિદેશમાં મોકલીએ તો પણ તે બગડે નહીં. જ્યારે મોહનથાળ બગડી જાય છે. જેથી મંદિર દ્વારા ચીક્કીના પ્રસાદનું નક્કી કરવામાં આવ્યું છે. અંબાજીમાં ચીક્કીનો પ્રસાદ જ ચાલશે.
ઉલ્લેખનીય છે કે, અંબાજીમાં મોહનથાળની પ્રસાદીનો વિવાદ વધી રહ્યો છે. આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા અંબાજી મંદિરમાં બંધ કરાયેલા મોહનથાળ પ્રસાદના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આજે નવ દિવસ વીતી ગયા હોવા છતાં મોહનથાળ પ્રસાદના મામલાનો અંત આવ્યો નથી. ત્યારે લોકોની લાગણીને અવગણીને સરકારે આખરે પ્રસાદમાં ચીક્કી આપવાનો જ નિર્ણય કર્યો છે.