અમદાવાદ : ગુજરાત દિવસેને દિવસે નશીલા પદાર્થોનું હબ બનતું જાય છે. વારંવાર મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવે છે. આમ તો જુગાર રમવા માટે લોકો પોતાના ઘર, ઓફિસ કે અન્ય જગ્યાઓ ભાડે આપી અન્ય લોકો પાસેથી પૈસા વસૂલી જુગાર રમાડતા હોય છે. તેવી જ રીતે દારૂ પીવા માટે પણ લોકો પોતાની જગ્યાઓ પાડી આપી પૈસા વસૂલ કરતા હોય છે, પરંતુ અમદાવાદના નારણપુરામાં એક વ્યક્તિએ પોતાનું ઘર ડ્રગ્સ સેવન કરવા માટે ભાડે આપ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેને ‘ડ્રગ્સ અડ્ડા’નું નામ આપવામાં આવ્યું છે.
અમદાવાદ SOGએ નારણપુરા વિસ્તારમાં આવેલા એલિફન્ટા સોસાયટીમાં માહિતીના આધારે દરોડો પાડ્યો હતો. જ્યાંથી પાંચ જેટલા ડ્રગ્સ પેડલરોની ધરપકડ કરી છે. ઘરમાંથી 25 લાખથી વધુની કિંમતનો 256.860 ગ્રામ ડ્રગસનો જથ્થો મળી આવ્યો હતો. આરોપી જીગ્નેશ ઉર્ફે જીગો પંડ્યાનાં ઘરે અન્ય ડ્રગ્સ પેડલરો આવ્યા હતા. જેમાં અમદાવાદના એક ડ્રગ્સ પેડલરે મધ્યપ્રદેશના એક પેડલર પાસે ડ્રગ્સનો જથ્થો મંગાવ્યો હતો, જે લેવા માટે અન્ય પેડલરો જીગ્નેશના ઘરે આવ્યા હતા અને પોલીસે તમામ લોકોની ધરપકડ કરી છે.
પોલીસની તપાસમાં સામે આવ્યું કે મોહમ્મદ પાસેથી મુસ્તકીમ ડ્રગ મંગાવતો હતો અને બાકીના લોકોને આપતો હતો. મળતી માહિતી પ્રમાણે જીજ્ઞેશ પંડ્યાના ઘરે ડ્રગની પાર્ટી પણ ચાલતી હતી અને જીજ્ઞેશ જે 1000 રૂપિયા લેતો હતો. જીજ્ઞેશ વ્યસની હોવાથી આ કામ કરતો હોવાનું સામે આવ્યું છે. જીજ્ઞેશના ભાઈઓ વિદેશમાં રહે છે તે અપરણિત છે અને એકલો રહેતો હતો.
પોલીસે પકડેલા અન્ય આરોપીમાંથી અમદાવાદના જમાલપુરમાં રહેતો ડ્રગ્સ પેડલર મુસ્તકિમ ઉર્ફે ભૂરો શેખ છે જેણે મોહમ્મદ નામના પેડલર પાસેથી ડ્રગ્સ મંગાવ્યું હતું જેથી મધ્યપ્રદેશ થી ડ્રગ્સનો જથ્થો લાવનારો મુખ્ય પેડલર મોહમ્મદખાન પઠાણ પણ ડ્રગ્સના જથ્થા સાથે પકડાયો છે. આ ઉપરાંત ઘરમાં હાજર ડ્રગ્સ લેવા આવેલા ધ્રુવ પટેલ અને અન્ય બે પેડલરો મોહમ્મદ શેખ, અબરારખાન પઠાણની પણ ધરપકડ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પોલીસ, એનસીબી, ડીઆરઆઈ સહિત અન્ય કેન્દ્રીય સંસ્થાઓ સરહદી સીમા ઉપરાંત દરિયામાં રાઉન્ડ-ધ-કલોક સર્વેલન્સ, સીસીટીવી કેમેરા સહિત લેટેસ્ટ ટૅક્નોલૉજીથી દેખરેખ રાખી રહી છે તેમ છતાં ગુજરાતમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાઈ રહ્યું છે.