અમદાવાદ : અમદાવાદમાં રહેતી વર્કિંગ વુમન માટે મહત્વના સમાચાર છે. AMC વર્કિંગ વુમન માટે હોસ્ટેલ બનાવવા જઇ રહી છે. શહેરના દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં YMCA ક્લબ પાસે આ હોસ્ટેલ બનશે.. આ હોસ્ટેલ બનાવવા પાછળ અંદાજે 8 કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે. કુલ 46 જેટલી રૂમોનું હોસ્ટેલ તૈયાર કરાશે..આ તમામ રૂમો એર કન્ડીશન્ડ રહેશે.. આ હોસ્ટેલ માટે વર્કિંગ વુમનને પ્રાધાન્ય અપાશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, YMCA કલબની બાજુમાં એસ.જી. હાઇવે પાસે આવેલી ટી.પી. સ્કીમ નંબર-25ના ફાઇનલ પ્લોટ નંબર-109 તથા ટી. પી. સ્કીમ નંબર-26ના ફાઇનલ પ્લોટ નંબર-6 પૈકીના 1813.95 ચોરસ મીટર એરિયાના પ્લોટમાં 46 એ.સી. ટ્વિન શેરિંગ રુમ, લિફ્ટ, પાર્કિંગ સહિતની અન્ય સુવિધા સાથે વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવાશે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત બે ફ્લોર તૈયાર કરવામાં આવશે.
જેમાં લોન્જ એરિયા ઉપરાંત વેઇટિંગ રુમ, કિચન એરિયા, ડાઇનિંગ એરિયા તેમજ રિક્રિએશન રુમની સુવિધા ઉપલબ્ધ કરાવાશે. પહેલા અને બીજા માળે 23-23 ટ્વિન શેરિંગ રુમની સુવિધા ઉપલબ્ધ કરાવાશે. કોન્ટ્રાકટર શ્રીજી કન્સ્ટ્રકશન પાસે કામગીરી કરાવવા રોડ કમિટી સમક્ષ દરખાસ્ત મંજૂરી માટે મૂકવામાં આવી છે.