અમદાવાદ : અમદાવાદના મેમનગરમાં ઝાયડસ હોસ્પિટલ નજીક AMC અને ઔડાની દબાણ હટાવ કામગીરી દરમિયાન હોબાળો મચી ગયો. મહાકાળી માતાનું મંદિર તોડવાની કામગીરી હાથ ધરાતા VHP અને મહાકાળી સેવા ટ્રસ્ટે વિરોધ નોંધાવ્યો.. પોલીસ અને VHPના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ.. મંદિરના મહારાજ રાજેન્દ્રગીરીનો દાવો છે કે તેમની પાસે મંદિરના કાયદેસરના દસ્તાવેજો છે.. શરૂઆતમાં VHP દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ પોલીસે તમામની અટકાયત કરી ડિમોલિશનની કામગીરી શરૂ કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ ઝાયડસ હોસ્પિટલ પાસે આવેલ મહાકાળી મંદિરમાં ઔડા અને AMC દ્વારા ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઔડાની જગ્યા હોવાથી અગાઉ ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી, પરંતુ મંદિરની આડમાં ગૌશાળા અને આજુબાજુની જગ્યા પચાવી પાડવામાં આવી હતી. જેને લઈને સવારથી જ ઔડા અને AMCની ટીમ દ્વારા ડિમોલિશની કામગીરી શરૂ કરવામાં આવી છે. મંદિર અને સમાધિ સિવાયની આસપાસની જગ્યા ખાલી કરવામાં આવી રહી છે.
તો બીજી તરફ બજરંગદળ અને VHPના નેતાઓ અને કાર્યકરોએ પણ આ મામલે આરપારની લડાઈ લડી લેવાની ચીમકી ઉચ્ચારી છે. VHPના નેતાઓએ કહ્યું કે- તેઓ કોઈપણ ભોગે મંદિર, સમાધિ અને ગૌશાળા દૂર નહીં થવા દે.. મંદિર કાયદેસર હોવાના પૂરતા દસ્તાવેજો છે.. સરકાર અને કોર્ટમાં રજૂ પણ કરવામાં આવ્યા છે.પોલીસ દ્વારા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. હાલ ફરીથી ડિમોલિશનની કામગીરી શરૂ થઈ છે.