અમદાવાદ : અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસ પણ રથયાત્રા પહેલા સજ્જ બની છે અને રથયાત્રાને લઈ પોલીસે પૂર્વ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ રથયાત્રા અંગે સેક્ટર-01ના પોલીસ કમિશ્નર નીરજ બડગુજરે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે સુરક્ષાને લઇ અત્યારથી જ તૈયારીઓ ચાલી રહી છે. જેમાં કોમ્યુનિટી પોલીસિંગ, અસામાજિક તત્વો અંગે કામગીરી કરાઈ છે.રથયાત્રાને લઇને સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવશે. જેમાં સમગ્ર રુટ પર ડ્રોન અને સીસીટીવીથી સતત નજર રાખવામાં આવશે.
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદમાં નીકળનાર રથયાત્રા ગુજરાત પોલીસનો સૌથી મોટો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સતર્ક બની છે. રથયાત્રાના તમામ રૂટ પર સતત પોલીસ પેટ્રોલિંગ કરાશે. ખાસ રથયાત્રા પૂર્વે પોલીસ શાંતિ સમિતિની બેઠકો પણ યોજાશે. સાથે સાથે પોલીસ રથયાત્રામાં અસામાજિક તત્વો પર કાર્યવાહી કરશે.
આ અંગે પોલીસે હાથ ધરેલી કામગીરી અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે 1 મેથી અત્યાર સુઘી પેરોલ ફર્લો ના 2392 આરોપીઓને તપાસવામાં આવ્યા છે. તેમજ વાહન ચેકિંગમાં 9078 વાહનો ચેકીંગ કરાયા છે. જ્યારે નાકાબંધીમાં 3 હજારથી વધુ વાહનો ચેક કરાયા છે. તેમજ શહેરમાં નવા રહેવા આવતા 11 હજાર ઘરોની તપાસ કરાઈ છે.
પોલીસ દ્વારા સુરક્ષા તપાસમાં તડીપાર 204 ઈસમોની ચકાસણી કરાઈ છે અને 117 લોકો સામે ગુનો નોંધી ફરીવાર તડીપાર કરાયા છે. જ્યારે હથિયાર લઇ ફરતા 734 લોકોને પકડવામાં આવ્યા છે. આર્મ્સ એક્ટ હેઠળ 16 કેસ દાખલ કરવામાં આવ્યા છે. 90 વોન્ટેડ આરોપીઓને પકડવામાં આવ્યા છે. બુટલગરો સામે 300 થી વધુ કેસો કરવામાં આવ્યા છે. 9 પાસા અને 14 તડીપારના કેસો કરવામાં આવ્યા છે.