જૂનાગઢ: ઐતિહાસિક નગરી ગણાતી જૂનાગઢની ભવનાથ તળેટી ખાતે કાર્યકરત એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ વેના ચાર્જમાં કેટલીક ટિકિટોમાં 10 ટકાનો ભાવ વધારો થયાનું રોપ-વે સૂત્ર દ્વારા જણાવાયું હતું. હાલ દિવાળી વેકેશન હોઈ પ્રવાસીઓની સંખ્યામાં ઉતરોતર વધારો જોવા મળી રહ્યો છે ત્યારે રોપવે દ્વારા પ્રવાસીઓની સગવડતા વધારવા રોપવે દ્વારા 10 ટકા જેટલો ચાર્જમાં વધારો કરાયો છે, જેમાં લોકલ પ્રવાસીઓ અને બાળકો માટેની ટિકિટમાં કોઈ વધારો થયો નથી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ઉષા બ્રેકો લિમિટેડે દ્વારા ગિરનાર રોપ-વેના ભાડામાં 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જેના પગલે પ્રવાસીઓએ હવે 600 રૂપિયાને બદલે 699 રૂપિયા ચૂકવવા પડશે. જીએસટી સાથે પ્રતિ વ્યક્તિ પાસેથી 600ને બદલે હવે 699 રૂપિયા ભાડું વસૂલાશે. વધતા ખર્ચ અને મેન્ટેન્સની બાબતને ધ્યાને લઇ રોપ-વે ઓથોરિટી દ્વારા વધારો કરાયા હોવાનો દાવો કર્યો છે.
હાલ રોપવેની દરેક ટ્રોલીની કેબિનમાં 8 વ્યકિતની ક્ષમતા ધરાવતી કુલ રપ ટ્રોલી કેબિન આ રોપ-વેમાં કાર્યરત છે,જેના દ્વારા દર કલાકે બંને તરફ 800 જેટલા યાત્રિકો અવર-જવર કરી રહ્યા છે, રોપ-વેનો કોચ પ્રતિ સેકન્ડ 6 મીટરની ઝડપથી પસાર થાય છે. અંબાજી ખાતે બનાવવામાં આવેલો રોપવે પ્રતિ સેકન્ડ 2.75 મીટરની ઝડપથી ચાલે છે. તેમજ રોપ-વેની ટ્રોલી 8 મિનિટમાં એક ટ્રિપ પૂર્ણ કરે છે, ભવનાથ તળેટીથી ગિરનાર પર્વત પર અંબાજી માતાનું મંદિર 2.3 કિ.મી. દૂર છે. આ અંતર રોપવે માત્ર 8 મિનિટમાં કાપે છે.
તમને જણાવી દઈએ કે, ગિરનારમાં રોપ-વે સેવા 23 ઓકટોબર 2020માં શરૂ કરવામાં આવી હતી. એટલે કે, ચાર વર્ષ બાદ દરોમાં વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 29 લાખથી વધુ લોકોએ રોપ-વેમાં મુસાફરી કરી છે.