અમદાવાદ : ACBએ આજે બે અલગ અલગ બનાવમાં AMCના એક કર્મચારી અને વેજલપુર પોલીસ સ્ટેશનના PSIને લાંચ લેતા ઝડપી પાડ્યાં છે. વેજલપુર પોલીસ સ્ટેશનમાં દાખલ ગુનામાં ફરિયાદીના પુત્રને માર નહી મારવા બદલ 80 હજાર રૂપિયાની લાંચ લેનારા વેજલપુર પોલીસ સ્ટેશનના PSI એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ ધરપકડ કરી છે.આ બનાવની વિગત મુજબ ફરિયાદીના પુત્ર સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના વેજલપુર પોલીસ સ્ટેશનમાં એક યુવક પર દાખલ થયેલા ગુનામાં તે યુવકને માર નહીં મારવા, ગાળો ન બોલવા અને રિમાન્ડ દરમિયાન હેરાન ન કરવા માટે PSI પ્રગ્નેશકુમાર નવનિતરાય વ્યાસે યુવકના પિતા પાસે રૂ.1 લાખની લાંચ માંગી હતી, જેમાં રૂ.80,000 પહેલા અને બાદમાં રૂ.20,000 આપવા કહ્યું હતું.બીજી તરફ ફરિયાદી લાંચ આપવા માંગતો ન હોવાથી તેણે ACB માં ફરિયાદ નોંધાવી હતી.
ટ્રેપિંગ અધિકારી ACB PI આર.આઈ.પરમાર અને સુપર વિઝન અધિકારી ACB અમદાવાદ એકમના ઇન્ચાર્જ મદદનિશ નિયામક એન.એન.જાદવ દ્વારા છટકું ગોઠવી PSI પ્રગ્નેશકુમાર નવનિતરાય વ્યાસને વેજલપુર પોલીસ સ્ટેશનની સામે ભાગ્યોદય હોટલ આગળ જાહેરમાં રૂ.80,000ની લાંચ લેતા પકડી પાડ્યાં છે.