અમદાવાદ: સરકારી તંત્રમાં ચાલતી લાલિયાવાડીનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. ખૂબ જ આશ્ચર્યની વાત છે કે 20 વર્ષ પહેલાં પોતાની જગ્યામાં શાળા બની ગઈ હતી એ જગ્યા ગુજરાત હાઉસિંગ બોર્ડને ખાલી કરાવવાનું હવે યાદ આવ્યું. આપણું સરકારી તંત્ર કેટલું ઘોર નિંદ્રામાં છે તેનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના બાપુનગરમાં 20 વર્ષ પહેલા જ્યાં સ્કૂલ બની હતી તે જગ્યા હાઉસિંગ બોર્ડની હોવાનું બહાર આવ્યું છે. આમ 20 વર્ષ બાદ તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગ્યું છે. આમ તંત્રની બેદરકારીના કારણે અનેકો બાળકોનું ભવિષ્ય જોખમાયું છે. 20 વર્ષથી જ્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, તે શાળાને 30 દિવસમાં ખાલી કરવા હાઉસિંગ બોર્ડે નોટિસ ફટકારી છે. નવાઈની વાત તો એ છે કે, હાઉસિંગ બોર્ડને એકાએક આવી એક નહીં પરંતુ એ.બી વિદ્યાલય, ખ્યાતિ પ્રિ સ્કૂલ અને ટાઈની ટોયસ એમ ત્રણ શાળાઓ ધ્યાને આવી, જેણે હાઉસિંગ બોર્ડની જમીન પર ગેરકાયદેસર રીતે શાળા બનાવી છે. હાઉસિંગ બોર્ડે બાપુનગરની આવી ત્રણ શાળાઓને 30 દિવસમાં શાળા ખાલી કરવાની નોટિસ આપી ખાલી કરવાનો આદેશ આપ્યો છે.તેમજ આ જગ્યા પર બની ગયેલા બિલ્ડીંગને તોડી પાડવાનો પણ આદેશ કરવામાં આવ્યા છે.
આશ્ચર્યની વાત એ છે કે બાપુનગરથી એબી વિદ્યાલયમાં ધોરણ 1થી 12માં 450થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. એટલું જ નહીં આ સ્કૂલ વર્ષોથી અહીંયા ચાલી રહી છે ત્યારે એકાએક ગુજરાત હાઉસિંગ બોર્ડને પોતાની જગ્યા ખાલી કરવાનું કેવી રીતે યાદ આવ્યું તે સૌથી મોટો સવાલ છે. વર્ષોથી આ જગ્યા પર સ્કૂલ ગેરકાયદેસર બની ગઈ હોવા છતાં કેમ શાળા જ્યારે બની રહી હતી, ત્યારે હાઉસિંગ બોર્ડે આ જગ્યા ખાલી ન કરાવી? હવે હાઉસિંગ બોર્ડે આ જગ્યા ખાલી કરાવી અને બિલ્ડીંગ તોડી પાડવાનો આદેશ કરતા 450થી પણ વધુ વિદ્યાર્થીઓનું ભાવી જોખમાયું છે.