અમદાવાદ: જગન્નાથ મંદિરનું રિ-ડેવલપમેન્ટ કરવામાં આવશે. 50 હજાર લોકો એક સાથે દર્શન કરી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે. મંદિરના પરિસરનું રિ-ડેવલપમેન્ટ કરીને સાધુ-સંતો માટે રહેવાની પણ વ્યવસ્થા કરાશે, સાથે ભક્તો માટે પાર્કિગ સહિતની વ્યવસ્થા કરાશે. ટીમ સર્વે કરીને ગઈ હોવાની જગન્નાથ મંદિરના ટ્રસ્ટીએ માહિતી આપી છે.
ટ્રસ્ટીએ પત્રકારોને કહ્યું હતું કે, મંદિરના રિ-ડેવલોપમેન્ટ માટેનો સરવે એક વખત થઈ ગયો છે. થોડા સમય બાદ ફરીથી સરવે કરીને તેનો એસ્ટીમેટ કાઢ્યા બાદ રિ-ડેવલોપમેન્ટની કામગીરી હાથ ધરાશે. રથયાત્રા દરમિયાન 18થી 20 લાખ લોકો ભાગ લેતા હોય છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ જમાલપુર જગન્નાથ મંદિરે દર્શન કરવા આવતા હોય છે. વર્ષોથી ભગવાન પ્રત્યેની અપાર શ્રદ્ધા અને ભક્તિને ધ્યાનમાં રાખી હવેથી જમાલપુર જગન્નાથ મંદિરમાં 50,000 શ્રદ્ધાળુઓ એકસાથે દર્શન કરી શકે તેના માટે મંદિરને રિ-ડેવલોપમેન્ટ કરવામાં આવશે.
ટ્રસ્ટીએએ વધુમાં કહ્યું હતું કે, નવા મંદિર પરિસરમાં બહારગામથી આવતા શ્રદ્ધાળુઓ અને સાધુ-સંતોની રહેવા જમવાની વ્યવસ્થા સાથેનું નવું બિલ્ડીંગ બનાવવામાં આવશે. બે માળનું મોટું પાર્કિંગ પણ બનાવવામાં આવશે. જગન્નાથ મંદિરની માલિકીની જગ્યામાં ચારથી પાંચ ચાલીઓમાં લોકો રહે છે તેઓ માટે એક અલગ જગ્યામાં મકાનો બનાવીને તેમને રહેવા માટે આપવામાં આવશે. મંદિરમાં હાથીઓ માટે નવું હાથીખાનું બનાવવામાં આવશે.
એવું કહેવાય છે કે, 400 વર્ષ પહેલાં અમદાવાદમાં જગન્નાથ મંદિર જ્યાં આવેલું છે, તે સાબરમતી નદીના પૂર્વ કિનારે જંગલ હતું. હનુમાનદાસજી નામના એક સંન્યાસી આ જંગલ વિસ્તારમાં સ્થાયી થયા અને તેમણે ભગવાન હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરી હતી. કહેવાય છે કે, તેમના અનુગામી સારંગદાસજી ભગવાન જગન્નાથના ભક્ત હતા.
ઓડિશામાં પુરી જગન્નાથ મંદિરની તેમની એક મુલાકાત દરમિયાન, તેમણે ભગવાન જગન્નાથ, તેમના મોટા ભાઈ બલભદ્ર (ગુજરાતમાં બલદેવ તરીકે ઓળખાય છે), અને બહેન સુભદ્રાની પવિત્ર મૂર્તિઓ સ્થાપિત કરાવી, આ સાથે ગૌશાળાનું પણ નિર્માણ કરવામાં આવ્યું, ત્યારથી આ મંદિર ભગવાન જગન્નાથજીના મંદિર તરીકે ઓળખાવા લાગ્યું.