અમદાવાદ : શહેરમાં જાહેરમાં ગંદકી કરતાં એકમો સામે હાથ ધરાયેલી ઝુંબેશમાં AMCના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ અને જાહેરમાં કચરો તેમજ ગંદકી નાખવા બદલ ચાંદલોડિયા વિસ્તારમાં વંદે માતરમ રોડ પર આવેલા ડોમિનોઝ પિત્ઝા, જજીસ બંગલો રોડ પર ડેગી ડમ, લક્ષ્મી ઓપ્ટિસિન્સ સહિત ચાર જેટલી દુકાનોને સીલ કરવામાં આવી છે. 47 જેટલી દુકાનોને ચેક કરી અને 21 દુકાનોને નોટિસ આપવામાં આવી છે. 1.5 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી અને 36,500નો દંડ પણ વસૂલવામાં આવ્યો છે.
પૂર્વ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ઓઢવ વિસ્તારમાં નિર્મલ પાર્ક સામેના મેદાનમાં ઈન્ડસ્ટ્રીયલ કચરો નાખવાની ફરિયાદ મળી હતી. જેના વોચ ગોઠવતા બે વ્યક્તિ બે બેગ ભરી કચરો નાખવા આવ્યા હતા. જેની પૂછપરછ કરતા સંસ્કાર એસ્ટેટમાં ઉષા પ્લાસ્ટિક દ્વારા કચરો નાખવામાં આવતો હતો. જેથી ત્યાં તપાસ કરતા પ્લાસ્ટિક ચમચીઓ અને પ્લાસ્ટિક જથ્થો કુલ 520 કિલોગ્રામ જેટલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જેથી ઉષા પ્લાસ્ટિક કારખાનાને સીલ કરવામાં આવ્યું છે.


