અમદાવાદ : અમદાવાદ શહેર જાણે ક્રાઇમ બૉમ્બ પર બેઠું હોય તેમ ક્રાઇમની ઘટનાઓમાં ઉછાળો આવી રહ્યો છે. અમદાવાદ પણ ધીરે ધીરે જાણે રાજ્યનું ક્રાઇમ કેપિટલ બની રહ્યું છે. ચોરી, લૂંટ, મારામારી, હત્યાની છાશવારે ઘટનાઓ સામે આવી રહી છે. અમદાવાદમાં ફરી એકવાર દિલધડક લૂંટની ઘટના સામે આવી છે. વસ્ત્રાપુરની સારથી હોટલ પાસે રૂપિયા 50 લાખની લૂંટ થઇ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ સારથી હોટલ પાસે આંગડિયા પેઢીમાંથી બિલ્ડર હિતેષભાઈના રૂપિયા લઈને તેમનો માણસ નીકળ્યો હતો. ત્યારે બિલ્ડરના વ્યક્તિ સાથે લૂંટ થઈ હતી. રામ મોહન આંગડિયા પેઢીમાંથી રૂપિયા 50 લાખ લઈને નીકળ્યા બાદ વસ્ત્રાપુરની સારથી હોટલ પાસે લૂંટની ઘટના ઘટી હતી.
અમદાવાદના પોશ ગણાતા વિસ્તાર વસ્ત્રાપુરમાં ધોળા દિવસે લૂંટ કરીને ફરી એકવાર કાયદાના ધજ્જીયા ઉડાવાયા હતા. ગુનેગારોમાં હવે પોલીસનો જાણે કે ડર જ નથી. આંગડિયા પેઢીમાંથી પૈસા લઇને નીકળનારાઓને આરોપીઓ દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ લૂંટની ઘટના પ્રકાશમાં આવી હતી.


