અમદાવાદ : વર્ષ 2024 ના પ્રારંભે સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે આવતા ઇમરજન્સી વાળા દર્દીઓ માટે બેલ્ટ કલર કોડની નવીન શરૂઆત કરવામાં આવી છે. જેમાં ઇમરજન્સી સારવાર માટે આવતા દર્દીઓની શારીરિક સ્થિતિ અને રોગની બીમારીની ગંભીરતાને ધ્યાનમાં રાખી લાલ, પીળો, લીલો, ગુલાબી અને વાદળી એમ પાંચ પ્રકારના બેલ્ટ આપવામાં લગાવી જૂદા પાડવામાં આવશે. આ પદ્ધતિની મદદથી ડોક્ટરોએ દર્દીની સારવાર કરવામાં સરળતા રહેશે.
દરરોજ આશરે 500 જેટલા દર્દીઓ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે આવે છે. આ ઘસારાને પહોંચી વળવા માટે સિવિલ હોસ્પિટલનો સ્ટાફ સતત ખડેપગે રહે છે. ત્યારે ઈમરજન્સી વિભાગમાં આવેલા દર્દીઓને કયા પ્રકારની તાત્કાલિક સારવારની જરૂર છે એવું નક્કી કરવા માટે ખાસ અલગ અલગ રંગના બેલ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે.
સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ રાકેશ જોશી એ આ સંદર્ભે જણાવ્યું હતું કે, આ બેલ્ટ સિસ્ટમથી આકસ્મિક સ્થિતિમા આવતા દર્દીના જીવ બચાવવા અસરકારક સાબિત થશે. નવતર પહેલ છે દરેક લોકોનો દરેક વિભાગનો સાથ સહકાર ખૂબ જરૂરી છે . ટેગ ઇમરજન્સી મેડિસીન વિભાગ દ્વારા લગાવવામાં આવે છે એને નોંધ કરી અને જો દર્દીની સારવાર કરવામાં આવશે તો કદાચ આપણે કોઈ સિરિયસ વ્યક્તિના જીવને ત્વરિત સારવાર આપીને બચાવવામાં સફળતા મેળવી શકીશું.
ઈમરજન્સી વિભાગમાં આવેલ દર્દીને ક્યા પ્રકારની તાત્કાલિક સારવારની જરૂર છે એવું નક્કી કરવા આ બેલ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે.હોસ્પિટલમાં આવતા દર્દીને Emergency મેડિસીન વિભાગ દ્વારા તાત્કાલિક એસેસમેન્ટ કરી નક્કી કરવામાં આવશે કે દર્દીને કેટલી ગંભીર ઇજાઓ છે અને કેટલી સઘન સારવારની જરૂર છે.
જે દર્દી “અતિ ગંભીર” અવસ્થામાં ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવે છે એમને ઇમરજન્સી મેડિસીન વિભાગ દ્વારા રેડ બેલ્ટ પહેરવામાં આવે છે. જે લોકો “ગંભીર અવસ્થા” માં આવે છે એ લોકોને યલો બેલ્ટ અને જે લોકોની પરિસ્થિતિ સ્ટેબલ હોય એ લોકોને ગ્રીનબેલ્ટ પહેરાવવામાં આવે છે.વધુમાં જો બાબો હોય તો એને બ્લુ બેલ્ટ અને જો બેબી હોય તો પિંક બેલ્ટ પહેરાવવામાં આવે છે. આનાથી બાબો થયો છે કે બેબી તે નક્કી કરવામાં સરળતા રહેશે. આમ આ બેલ્ટ સિસ્ટમના લીધે ઇમરજન્સીમાં આવતા દર્દીને જ્યારે તબીબો પાસે એક સાથે ઘણા દર્દી હોય ત્યારે માત્ર બેલ્ટ જોઈ કેસ અને દર્દીની બિમારીની ગંભીરતા માપી શકાય છે અને તાત્કાલિક સારવાર ચાલુ કરી શકાય છે.
એ જ રીતે દર્દીઓ જ્યારે એક્સ-રે, સોનોગ્રાફી કે સીટી સ્કેન માટે જતા હોય ત્યારે ત્યાના સ્ટાફને પણ બેલ્ટના આધારે કેસ અને એની સિવિયારીટીની તાત્કાલિક ખબર પડે છે. સિવિલ હોસ્પિટલમાં કામ કરતા કોઈપણ સ્ટાફને દર્દીના કાંડા પર લગાવેલા બેલ્ટ પરથી એની કન્ડિશન વિશે અંદાજો આવી જાય છે અને દરેક વ્યક્તિ તેની તાત્કાલિક સારવાર માટે એલર્ટ બને છે. દરેક વિભાગ અને હોસ્પિટલ સ્ટાફને કલર કોડ વિશે જાણ કરી દીધી છે.