અમદાવાદ : અમદાવાદમાં ગ્રીન નેટ-સેફ્ટી નેટ વિના ધમધમતી બાંધકામ સાઈટો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લાલ આંખ કરી છે. સતત બીજા દિવસે AMC દ્વારા કાર્યવાહીના ભાગરૂપે વધુ 13 કન્સ્ટ્રક્શન સાઈટ સીલ કરાઈ છે. બાંધકામના નિયમોનું પાલન ન કરતા નોટિસ બાદ કડક કાર્યવાહી કરાઈ છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરની સૂચના બાદ એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી કન્સ્ટ્રક્શન સાઈટો પર પર્યાવરણની જાળવણીને લઈ ગ્રીનનેટ અને સેફ્ટી નેટ રોડ ઉપર બિલ્ડીંગ મટીરીયલ મૂકી અને દબાણ કરવા સહિતના નિયમોના પાલન માટે ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે. પશ્ચિમ વિસ્તારમાં કુલ 13 જેટલી ચાલુ બાંધકામ કન્સ્ટ્રક્શન સાઈટોને સીલ કરવામાં આવી છે. ઉત્તર-પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા બોપલ વિસ્તારમાં નિર્ગુણ રાઈઝ અને બોડકદેવમાં સંકલ્પ ઓર્ગેનાઈઝસ નામની બાંધકામ સાઈટ દ્વારા પર્યાવરણની જાળવણીના નિયમોનું પાલન ન કરનાર અને રોડ પર બિલ્ડીંગ મટીરીયલ મૂકનાર બંને સાઈટને અનુક્રમે 25000 અને 10,000 દંડ કર્યો છે.
ઉત્તર-પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા આંબલી રોડ પર એક અને જગતપુર રોડ ઉપર 2 એમ કુલ ત્રણ અને દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા બોપલ, ઘુમા, મકરબા, વેજલપુર સહિતના વિસ્તારમાં કુલ 10 કન્સ્ટ્રક્શન સાઇટોને ગ્રીન નેટ સેફ્ટી નેટ અને રોડ ઉપર બિલ્ડીંગ મટીરીયલ મૂકી દબાણ કરવા જેવા વિવિધ નિયમોના પાલન ન કરવા બદલ સીલ મારવામાં આવી છે. ઉત્તર-પશ્ચિમ ઝોન દ્વારા કુલ 12 જેટલી સાઇટને નોટિસ આપવામાં આવી છે.