અમદાવાદ : શહેરમાં લાખો રૂપિયા ફી લેતી પ્રી-પ્રાઈમરી શળાઓ બંધ કરાશે. ભાડાના મકાનમાં ચાલતી પ્રી-પ્રાઈમરી શાળાઓ પર સરકાર બાજ નજર રાખી રહી છે. સરકારના નિયમ મુજબ ભાડાના મકાનમાં ચાલતી પ્રી-પ્રાઈમરી પાસે 15 વર્ષનો રજીસ્ટર્ડ ભાડા કરાર હોવો જરૂરી છે. આ નિયમને કારણે 5 હજાર પ્રી-પ્રાઈમરીમાંથી 80% શાળાઓએ તાળા મારવા પડશે.
અમદાવાદ શહેરમાં લાખો રૂપિયા ફી લેતી ફ્રેન્ચાઈઝી મોડેલ, વ્યક્તિગત, ટ્રસ્ટ અને કંપનીધારા હેઠળ નોંધાયેલી અંદાજે 5 હજાર પ્રી-પ્રાઈમરી સ્કૂલ શાળાઓ બંધ કરાશે. મોટાભાગની સ્કૂલ નાના-મોટા બંગલામાં ચાલે છે અને કોઈપણ પ્રકારની નોંધણી કરાવેલી હોતી નથી. હવે સરકારે દરેક પ્રી-પ્રાઈમરી માટે 1 વર્ષમાં મંજૂરી લેવાની ફરજિયાત બનાવી છે. આ સમયગાળામાં મંજૂરી નહીં લેનારી પ્રી-પ્રાઈમરી બંધ કરવી પડશે. તમામ પ્રી-પ્રાઈમરી વાલીઓ પાસેથી 30 હજારથી માંડી રૂ.1 લાખ સુધીની ફી ઉઘરાવે છે, પણ મોટાભાગની ભાડાના મકાનમાં ચાલે છે. સરકારે એવો નિયમ બનાવ્યો છે કે, ભાડાના મકાનમાં ચાલતી પ્રી-પ્રાઈમરી પાસે 15 વર્ષનો રજિસ્ટર્ડ ભાડાં કરાર હોવો જરૂરી છે. આ નિયમને લીધે અંદાજે 5 હજાર પ્રી-પ્રાઈમરીમાંથી 80 ટકાએ તાળાં મારવા પડશે. કારણ કે 15 વર્ષનો ભાડાં કરાર કરવા પ્રોપર્ટી માલિકો તૈયાર નથી.
સરકારે મંજૂરી ફરજીયાત બનાવ્યા પછી અમદાવાદ શહેરમાંથી માત્ર 6 અરજીઓ આવી હતી. જેમાંથી 1ને મંજૂરી અપાઈ છે. બેની અરજી ફગાવી દેવામાં આવી છે.અને 3 અરજી પડતર છે. 30 હજારથી 1 લાખ રૂપિયા ફી લેતી શાળાઓને માઠી અસર થશે.
મંજૂરી ફરજીયાત માટે નિયમો…
-પ્રત્યેક વર્ગદીઠ સરકારને રૂપિયા 5 હજાર ફી ચૂકવવાની રહેશે
-વ્યક્તિગત માલિકીની પ્રી-પ્રાઈમરીનું રજિસ્ટ્રેશન નહીં થાય.
-હાલ પ્રી-પ્રાઈમરી ચલાવતા પ્રાથમિક સ્કૂલના સંચાલકોએ પણ પ્રી-પ્રાઈમરી માટે સરકારની મંજૂરી મેળવવી ફરજિયાત છે.
-પ્રત્યેક પ્રી-પ્રાઈમરીએ વર્ગદીઠ 5 હજાર ફી ભરવાની રહેશે.
-ભાડાંના મકાનમાં ચાલતી હોય તો 15 વર્ષનો રજિસ્ટર્ડ ભાડાં કરાર ફરજિયાત કરાયો છે, આવો કરાર નહીં હોય તો મંજૂરી નહીં.
-દરેક બિલ્ડિંગ પાસે ફાયરસેફ્ટી ડેકલેરેશન કે ફાયર એનઓસી હોવું જોઈએ.
-જે મકાનમાં પ્રી-પ્રાઈમરી ચાલતી હોય તેની બીયુ પરમિશન જરૂરી.