અમદાવાદ : ગુજરાત હાઉસિંગ બોર્ડની સોસાયટીઓમાં થયેલું અનઅધિકૃત બાંધકામ કે દબાણ તોડી પાડવાનો નિર્ણય હાલ સ્થગિત કરાયો છે. મકાન માલિકો કે મકાન ધારકો દ્વારા કરવામાં આવેલા દબાણ દૂર કરવાનો બોર્ડે જ નિર્ણય કર્યો હતો. જોકે, હાલ ડિમોલિશન નહીં કરવામાં આવે તેમ નક્કી કરાયું છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ગુજરાત હાઉસિંગ બોર્ડની સોસાયટીઓના આવા મકાનમાલિકો અને મકાન ધારકોએ રજૂઆત કરી હતી. જેના પર સરકાર દ્વારા સાનુકૂળ પ્રતિસાદ આપવામાં આવ્યો છે.
મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં એવી સૂચનાઓ ગુજરાત હાઉસિંગ બોર્ડને આપી છે કે, આવા મકાનમાલિકો – મકાન ધારકો દ્વારા કરવામાં આવેલા અનઅધિકૃત બાંધકામ અંગેની હવે પછીની કોઈ પણ કાર્યવાહી, સમગ્ર સ્થિતિનો અભ્યાસ અને સર્વગ્રાહી ઉચ્ચસ્તરીય સમીક્ષા કર્યા બાદ કરવાની રહેશે.