અમદાવાદ : અમદાવાદમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જમાલપુર બ્રિજ પાસે કાર ચાલકે મહિલાને અડફેટે લેતા મોત થયું છે જ્યારે અન્ય બે લોકો ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતા જ લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા અને બનાવની જાણ પોલીસને થતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આજે સવારે જમાલપુર બ્રિજ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક વૃદ્ધ દંપતી દર્શન કરીને કાર લઈને જઈ રહ્યું હતું, ત્યારે જમાલપુર બ્રિજની દીવાલ સાથે કાર ટકરાઈ હતી. જેના કારણે કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર રોડ પર શાકભાજી વેચતા ફેરિયાઓ પર ફરી વળી હતી. અકસ્માતમાં એક મહિલાનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે વ્યક્તિઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.અકસ્માત બાદ ગુસ્સે ભરાયેલા સ્થાનિકોએ કારમાં તોડફોડ કરી હતી. પોલીસને અકસ્માતની જાણ થતા સ્થળ પર પહોંચીને લોકોને વિખેર્યા હતા અને કારચાલકની અટકાયત કરી ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા.
કાર અકસ્માત સર્જ્યા બાદ સીધી સામે રહેલી દિવાલ સાથે અથડાઇ હતી. બનાવની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને કાર ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


