અમદાવાદ : અમદાવાદમાં એચએમપીવીનો વધુ એક કેસ નોંધાયો છે. ગોતામાં 4 મહિનાના બાળકને ચેપ લાગ્યો છે. તેને એસજીવીપી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે. આ પહેલા અમદાવાદમાં ચાર કેસ નોંધાયા હતા. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ HMPV કોઈ નવો વાયરસ નથી. અગાઉ તેની ઓળખ વર્ષ 2001માં થઈ હતી અને તે વર્ષોથી વિશ્વભરમાં ફેલાઈ રહ્યો છે. બીજી તરફ નિષ્ણાતોનું કહેવું છે કે, HMPV સંક્રમિત દર્દીઓને ભાગ્યે જ હૉસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે છે. તેથી આ વાયરસથી ગભરાવાની જરૂર નથી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે નવા વાયરસની એન્ટ્રી વચ્ચે શુ કરવું અને શું ન કરવું તેને લઈને આરોગ્ય વિભાગે માર્ગદર્શિકા જાહેર કરી છે. લક્ષણો જણાય તો ડોક્ટરો નો સપર્ક કરવા આરોગ્ય વિભાગે નાગરિકોને અપીલ કરી છે. રાજ્યમાં હાલના તબક્કે એક પણ કેસ નોંધાયેલ ન હોવાનો આરોગ્ય વિભાગનો દાવો છે. તો બીજી તરફ, ભારતના સ્વાસ્થય વિભાગે કહ્યું કે, અમે અમારી લેબમાં ટેસ્ટ નથી કર્યો. ખાનગી હોસ્પિટલના રિપોર્ટમાં કેસ સામે આવ્યો છે.
શું કરવું (Do’s):
જ્યારે ઉધરસ અથવા છીક આવે ત્યારે મોઢું અને નાકને રૂમાલ અથવા ટિસ્યુથી ઢાંકવું.
નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવાં કે રોનેટાઈઝરનો ઉપયોગ કરવો.
ભીડભાડવાળા સ્થળોથી દૂર રહેવું અને ફલૂથી પીડિત વ્યક્તિઓથી ઓછામાં ઓછું એક હાથનું અંતર રાખવું.
તાવ, ઉધરરા કે છીંક આવે છે તો જાહેર સ્થળો પર જવાનું ટાળવું.
વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક ખાવો.
પ્રબળ પ્રતિરોધક શતિ માટે પૂરતી ઊંઘ લેવી.
બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશન વાળા વાતાવરણમાં રહેવું.
શ્વસનને લગતા લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું, બીજાઓ સાથે સંપર્ક મર્યાદિત કરવો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.
શું ન કરવું (Don’ts):
આવશ્યક ના હોય તો આંખ, નાક કે મોઢાને સ્પર્શ કરવો નહિ.
ચેપ ગ્રસ્ત વ્યક્તિએ વ્યક્તિગત ચીજવસ્તુઓ જેમ કે ટુવાલ. માલ અથવા અન્ય વાસણો બીજા વ્યક્તિના સંપર્કમાં કે ઉપયોગમાં ના આવે તેનું ધ્યાન રાખવું.
જાતે દવા લેવાનું ટાળવું, લક્ષણોમાં વધારો દેખાય તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો.
ગભરાશો નહિ, સાવચેતી એજ સલામતી હોઈ આ માર્ગદર્શિકાનું અવશ્ય પાલન કરવું


