અમદાવાદ: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148ની રથયાત્રા ભકિતપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ છે. શહેરના જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરે આજે અષાઢીબીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી. ભગવાન જગન્નાથજી, તેમના ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યા ત્યારે ‘જય રણછોડ, માખણચોર’ના જયઘોષ સાંભળવા મળ્યો હતો.ભગવાનના ત્રણેય રથ નિજ મંદિર પહોંચ્યા છે. મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ભગવાનના દર્શન કરવા માટે ભક્તોની ભીડ જામી છે.
અષાઢી બીજ 27 જૂન, 2025ના રોજ ગુજરાત સહિત વિશ્વભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી. ત્યારે પરંપરાગત રીતે અમદાવાદમાં 148મી રથયાત્રા યોજાઈ હતી. ભગવાનની રથયાત્રામાં ‘જય રણછોડ, માખણચોર’ના જયઘોષ સાથે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજી તેમના ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યા હતા. ત્યારે વહેલી સવારથી નાના બાળકોથી માંડીને વૃદ્ધ તમામ ભક્તો ભગવાનના દર્શન કરવા માટે ઉમટ્યા હતા. પરંતુ ભગવાન જગન્નાથજી નગરચર્યા કરી નીજ મંદિરે પરત ફર્યા બાદ આખી રાત મંદિરની બહાર રથમાં વિતાવે છે. તો તમને પ્રશ્ન થયો હશે કે આવું કેમ..? તો ચાલો જાણી લોકવાયકા…
ભગવાન જગન્નાથજી તેમના ભાઈ બળદેવ અને બહેન સુભદ્રાને લઇને અષાઢી બીજના દિવસે નગરચર્યાએ નીકળ્યા. પરંતુ આ રથયાત્રામાં ભગવાનની પત્ની રુક્મિણીને લીધા વગર જ જાય છે તેથી ભાગવાનની પત્ની રુક્મિણી રિસાઈ જાય છે. જ્યારે ભગવાન નગરચર્યા કરી નીજ મંદિરે પરત આવે છે, ત્યારે રિસાયેલા રુક્મિણીજી ભગવાનને સજાના ભાગરૂપે મંદિરમાં પ્રવેશ આપતાં નથી. જેથી ભગવાને રાતવાસો મંદિરની બહાર જ કરવો પડે છે તે પછી આખી રાત રિસામણા મનામણા ચાલે છે, ત્યારે વહેલી સવારે જગન્નાથજીને મંદિરમાં પ્રવેશ કરવાની અનુમતિ મળે છે. ભગવાન જગન્નાથજી પત્ની રુક્મિણીને મનાવવા માટે કહે છે કે, ‘હું જ્યાં જાઉ ત્યાં તમે મારી સાથે જ છો, મારા હૃદયમાં જ છો આમ કહીને પત્ની રુક્મિણીને મનાવી લે છે. ત્યાર પછી સવારે વિધિવત રીતે શુભ મુહૂર્તમાં ભગવાનને નીજ મંદિરમાં બિરાજમાન કરવામાં આવે છે.


