અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) તરફથી જન્મ-મરણ નોંધણી અંગે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. 1 સપ્ટેમ્બર, 2025થી એટલે કે આજથી આ નોંધણી પ્રક્રિયામાં મોટો ફેરફાર થયો છે. રાજ્ય સરકારના ઈ-ઓળખ પોર્ટલ પર થતી કામગીરી હવે ભારત સરકારના CRS પોર્ટલ પર શરૂ થઈ ગઈ છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, દેશમાં જન્મ મરણ નોંધણી હવે CRS પોર્ટલ પર થશે તેવી કેન્દ્ર સરકારની જાહેરાત બાદ આજથી AMC પણ જન્મ મરણ નોંધણીની કામગીરી CRS પોર્ટલ પર કરી રહી છે. વર્ષ 2019 અને તે અગાઉ નોંધાયેલા જન્મ મરણ પ્રમાણપત્ર સુધારાની કામગીરી ઇ ઓળખ પોર્ટલ પર જ રાબેતા મુજબ થશે. 24 થી વધુ રાજ્યોમાં આ પોર્ટલ પર કામગીરી થઇ રહી છે. આ નોંધણીની પ્રક્રિયા આ પોર્ટલ પર સરળ થઇ શકશે, જેથી સરકારી કચેરીના થતા ધક્કાથી નાગરિકોને રાહત મળશે
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં હવે જન્મ અને મરણની નોંધણી ભારત સરકારના CRS પોર્ટલ પર શરૂ થઈ ગઈ છે. અગાઉ આ કામગીરી રાજ્ય સરકારના ઈ-ઓળખ પોર્ટલ પર થતી હતી. AMCએ જણાવ્યું છે કે 1 જાન્યુઆરી, 2020 થી 31 ઓગસ્ટ, 2025 સુધીના સમયગાળા દરમિયાન જે જન્મ-મરણની નોંધણી ઈ-ઓળખ પોર્ટલ પર થઈ છે, તેની વિગતોને CRS પોર્ટલ પર ટ્રાન્સફર કરવાનું કામ ચાલી રહ્યું છે. આ કામગીરી ટૂંક સમયમાં પૂરી થઈ જશે.
આ માઈગ્રેશન પ્રોસેસને કારણે, હાલમાં આ સમયગાળાના જન્મ-મરણના પ્રમાણપત્રોમાં કોઈ પણ સુધારા-વધારાની કાર્યવાહી થઈ શકશે નહીં. નાગરિકોને આ બાબતની નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે. જોકે, જે પ્રમાણપત્રો વર્ષ 2019 અથવા તે પહેલાં નોંધાયેલા છે, તેમાં સુધારાની કામગીરી રાબેતા મુજબ ચાલુ રહેશે. આ જાણકારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી છે.


