અમદાવાદ : અમદાવાદ જેવા શહેરમાં જાહેરમાં વાહનોની ચોરી કરતી ગેંગ સક્રિય થઈ ગઈ છે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં વાહન ચોરીના બનાવો અંગે પોલીસે સપાટો બોલાવ્યો છે. અમદાવાદ, સરખેજ અને ગાંધીનગરમાં વાહનો ચોરી કરતી ગેંગના સાત સાગરિતોને પકડી પાડીને 24 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. તે ઉપરાંત 21 વાહનો સહિત કુલ 24 લાખથી વધુનો મુદ્દામાલ સાબરમતી રેલવે પોલીસે કબજે કર્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, પશ્ચિમ અમદાવાદમાં જાહેર પાર્કિંગ અને ખાસ કરીને બ્રીજ નીચે પાર્ક કરેલા ટુ-વ્હીલરના ચોરીના અનેક કિસ્સાઓમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. ત્યારે છેલ્લા એક વર્ષથી આ પ્રકારના ગુના આચરતી ટોળકીના સાત આરોપીની સાબરમતી રેલવે પોલીસે ધરપકડ કરી છે. નોંધનીય છે કે, પહેલા સાબરમતી રેલવે પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર વી.એન. સિંગરખીયા અને તેમની ટીમે ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપીને ચાંદલોડીયા તળાવ પાસેથી ધરપકડ કરી હતી. જે બાદ કડીથી કડી જોડાતા આ સાતેય આરોપીયો પકડાયા છે.
આ ગેંગનો મુખ્ય સૂત્રધાર ધર્મેશ રાણા, મૂળ સાણંદનો રહેવાસી, આશરે એક વર્ષથી શહેરના વિવિધ વિસ્તારોમાં ટૂ-વ્હીલર ચોરી કરતો હતો. આર્થિક તંગી અને મોજ-શોખ પૂરા કરવા માટે તેણે વાહન ચોરીને પોતાનો ધંધો બનાવી દીધો હતો. વાહન ચોરી કરીને માત્ર 10,000 થી 15,000 માં વેચી નાખતો હતો. ચોરી કરેલા વાહનને વેચ્યા બાદ જે પણ પૈસા મળતા તેનાથી તે પોતાના મોજ-શોખ પૂરા કરતો હતો. પોતાની હવસ પૂરી કરવા માટે તેણે એક ગેંગ ઉભી કરી હતી અને તેમના સહકારથી અનેક ગુનાઓ અંજામ આપતો રહ્યો.
આ ગેંગે છેલ્લા એક વર્ષમાં 28 ટુ-વ્હીલ વાહનોની ચોરીને અંજામ આપ્યો હતો. જે બાદ ધર્મેશ રાણા તેના મિત્ર બહાદુરને ચોરી કરેલા ટુ-વ્હીલર વેચવા આપી દેતો હતો અને આરોપી બહાદુર કમીશન લઈને આ ચોરી કરેલા ટુ-વ્હીલને બાવળા અને તેની આસપાસના લોકોને વેચી દેતો હતો. આરોપીની આ કબુલાત બાદ રેલવે પોલીસે ચોરી થયેલા તમામ 28 ટુ-વ્હીલર રીકવર કરી લીધા છે. ઉપરાંત વસ્ત્રાપુર, સેટેલાઈટ, બોડકદેવ અને સાબરમતી પોલીસ સ્ટેશનની હદમાં વાહન ચોરીના વણશોધાયેલા કેસોનો ભેદ ઉકેલી નાંખ્યો છે.