મદાવાદ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત ‘સરદાર@150 યુનિટી માર્ચ’ને પ્રસ્થાન કરાવ્યું હતું.
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત ‘સરદાર@150 યુનિટી માર્ચ’ને પ્રસ્થાન પૂર્વે મુખ્યમંત્રીએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર કરી નમન કર્યા હતા. મુખ્યમંત્રીએ અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ પ્રસંગે ભાવાંજલિ અર્પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશભરમાં સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિતે ભવ્યાતિભવ્ય ઉજવણીનું આયોજન કરાયું છે.
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના નિર્માણથી સરદાર પટેલને વડાપ્રધાને ખરા અર્થમાં શ્રધ્ધાંજલિ આપી છે. સરદારસાહેબની આ પ્રતિમા ભારતના સામર્થ્ય અને ગૌરવવંતા ઇતિહાસનું શ્રેષ્ઠ પ્રતિક છે.સરદાર સાહેબને યાદ કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદી પછી 562 જેટલા દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરી સ્વતંત્ર ભારતનું નિર્માણ કર્યું હતું. વડાપ્રધાનના નેતૃત્વમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે 370 દૂર કરી ભારતને એક અને અખંડ બનાવ્યું છે. વડાપ્રધાને પ્રદેશો અને રાજ્યો વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાન કરી ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની રચના કરી છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનના દિશાદર્શનમાં વર્ષ ૨૦૧૪થી સરદાર પટેલની જન્મજયંતિ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવાય છે, આજે આયોજિત ‘યુનિટી માર્ચ’ દેશની એકતા અને અખંડિતતાનું પ્રતિક છે. મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસના મંત્ર થકી ભારત ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે આ ‘રન ફોર યુનિટી’ સમગ્ર દેશને એકતાના તાંતણે જોડનારું માધ્યમ છે.
અમદાવાદની યુનિટી માર્ચમાં મેયર પ્રતિભા જૈન, મંત્રી દર્શનાબેન વાઘેલા, પોલીસ કમિશનર જી.એસ. મલિક, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ અને પોલીસ તેમજ ફાયર બ્રિગેડના જવાનો સહિત મોટી સંખ્યામાં શહેરીજનો ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ અને ‘ફીટ ઇન્ડિયા’ના નારા સાથે જોડાયા હતા, જે આશ્રમ રોડ પર આવેલા ઇન્કમટેક્સ ખાતે પૂર્ણ થઈ હતી.


