અમદાવાદ: બોચાસણ વાસી અક્ષર પુરૂષોત્તમ સંસ્થાના પૂર્વ વડા બ્રહ્યલીન પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની સંસ્થાના પ્રમુખ તરીકેની વરણીને 75 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર પ્રમુખ વરણી અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આ ભવ્ય અને દિવ્ય સમારોહ યોજાયો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના સાબરમતી નદીના કિનારે-રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે પ્રમુખવરણી અમૃત મહોત્સવની ભવ્ય ઉત્સવ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. BAPS સંસ્થાના વડા મહંતસ્વામી મહારાજે આ અવસરે આશીર્વચન પાઠવતા કહ્યું હતું કે, પ્રમુખસ્વામી મહારાજે પ્રમુખ હોવા છતાં જીવનભર દાસભાવે સેવા જ કરી, તેમના જીવનના ગુણો અનન્ય છે. મહંતસ્વામીએ પોતાની યુવકકાળની સ્મૃતિ વાગોળતા પ્રમુખ સ્વામી મહારાજના પ્રતિજ્ઞાપાલન, પરોપકાર સહિતના ગુણોનો પરિચય કરાવ્યો હતો. આ સમારોહમાં યુવાનો દ્વારા સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ કરવામાં આવી હતી અને BAPS સંસ્થાના વરિષ્ઠ સંતો અને હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આ પ્રસંગે જણાવ્યું કે પ્રમુખસ્વામી મહારાજના ગુણોમાંથી જીવનનો સાર કાઢી શકાય અને જીવનને ઉપયોગી વાતો અપનાવી શકાય એમ છે. તેમણે ઉમેર્યું કે સાબરમતી નદીના કિનારે પણ પ્રમુખ સ્વામીના જીવનના 75 ગુણો નૌકાઓના માધ્યમથી પ્રદર્શિત કરાયા છે, જે લોકોને જીવન જીવવાનો રસ્તો પ્રદર્શિત કરવાનું કામ કરે છે.
કાર્યક્રમની પૂર્ણાહૂતિ સમયે મહંત સ્વામી મહારાજ, મહાનુભાવો અને લગભગ 50 હજાર હરિભક્તોએ સાથે મળીને આરતી કરી ત્યારે અલૌકિક માહોલ રચાયો હતો. બાળ-કિશોર-યુવા વૃંદ દ્વારા દ્વારા નૃત્યાંજલિ પ્રસ્તુત કરવામાં આવી હતી. કાર્યક્રમના સમાપનમાં ભવ્ય આતશબાજી સાથેની અદભુત પ્રસ્તુતિ સાથે ‘પ્રમુખ વરણી અમૃત મહોત્સવની જય’ ના નાદ સાથે આ ઐતિહાસિક અવસરનું સમાપન થયું હતું.


