અમદાવાદ : આગામી ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી દરમિયાન સલામતી જળવાઈ રહે, એ માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે મુજબ 24 ડિસેમ્બરના રાતના 11:55થી 25 ડિસેમ્બરના 00:30 સુધી અને 31 ડિસેમ્બરના રાતના 23:55થી 1 જાન્યુઆરીના 00:30 સુધીમાં નવા વર્ષની ઉજવણીના અંતર્ગત ફટાકડા ફોડી શકાશે. આ સિવાય રાતના સમયે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ ભારે ઘોંઘાટવાળા ફટાકડા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોવાથી તથા વધુ પ્રમાણમાં હવાનું પ્રદૂષણને ઘન કચરો પેદા કરતા હોવાથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સધારક વેપારીઓ દ્વારા કરવાનું રહેશે. તમામ ઈ-કોમર્સ વેબસાઇટને ઓનલાઈન તમામ પ્રકારના ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ છે.
આ ઉપરાંત નાતાલ અને નવા વર્ષની પૂર્વ રાત્રે 11.55થી 12.30 સુધી, એટલે કે માત્ર 35 મિનિટ માટે જ ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવી છે. શહેરમાં માત્ર લાયસન્સ ધરાવતા વેપારીઓ જ PESO દ્વારા માન્યતા પ્રાપ્ત ‘ગ્રીન ફટાકડા’ વેચી શકશે, જ્યારે ઓનલાઇન વેચાણ અને વિદેશી ફટાકડાના વેપાર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, સ્વાસ્થ્ય માટે હાનિકારક એવા બેરિયમયુક્ત ફટાકડાના ઉપયોગ પર સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ રોક લગાવાઈ છે.
જાહેર સુરક્ષાને ધ્યાને રાખીને હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ અને ધાર્મિક સ્થળોની આસપાસના 100 મીટરના વિસ્તારને ‘સાયલન્ટ ઝોન’ જાહેર કરવામાં આવ્યો છે, જ્યાં ફટાકડા ફોડવાની મનાઈ રહેશે. તે જ રીતે પેટ્રોલ પંપ, ગેસ સ્ટોરેજ અને ગીચ બજારો જેવા સંવેદનશીલ સ્થળોએ પણ આતશબાજી કરી શકાશે નહીં. ખાસ કરીને ચાઈનીઝ તુક્કલના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે જેથી હવામાં ઉડતી આતશબાજીથી કોઈ મોટી જાનહાનિ કે આગની ઘટના ન બને.


