અમદાવાદ : સોલા પોલીસ સ્ટેશન હદમાં આવેલ ચાણક્યપુરીમાં પ્રેમ પ્રકરણમાં યુવકે બહેનના પ્રેમી પર ફાયરિંગ કર્યું હતું. આરોપીની કાકાની દીકરી સાથે અન્ય યુવકને પ્રેમ સંબંધ હતો જેની અદાવત રાખીને પગમાં ફાયરિંગ કર્યું હતું. બનાવ બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા જેમને સોલા પોલીસે ઝડપી પાડ્યા છે.આરોપીની ધરપકડ થયા બાદ પિતરાઈ બહેન સાથે પ્રેમસંબંધ હતો. આ પ્રેમસંબંધને કારણે મોન્ટુ દેસાઈએ આ અદાવત રાખી સહ-આરોપીઓ સાથે મળી આ ગુનાને અંજામ આપ્યો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગત 15 ફેબ્રુઆરીએ ચાણક્યપુરીમાં બનેલી ફાયરિંગની ઘટના મામલે સોલા પોલીસને મહત્વની સફળતા મળી છે. આ કિસ્સામાં ફરિયાદી પ્રકાશ દેસાઈ પર દેશી કટ્ટાથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને લાકડી-ધોકા તથા હથોડા જેવા હથિયારો વડે હુમલો કરી તેમને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.ફરિયાદી પ્રકાશ દેસાઈ પોતાની એક્ટિવા પર બાલાજી ચાર રસ્તા, ચાંદલોડિયા પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી, તેમની રેકી કરી, ઝાયલો ગાડી અને એક્ટિવા દ્વારા તેમનો પીછો કર્યો. ત્યારબાદ ફોરવ્હીલ ગાડીથી પ્રકાશભાઈની એક્ટિવાને ટક્કર મારી તેમને નીચે પાડી દીધા. ગેરકાયદેસર દેશી કટ્ટાથી ફાયરિંગ અને લાકડી, બેઝબોલ, હથોડા જેવા હથિયારોથી હુમલો થયો હતો.
પ્રકાશને ગાડી વડે ટક્કર મારતા પ્રકાશ એક્ટિવા પરથી નીચે પટકાયો હતો. જે બાદ પ્રકાશ પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેમાં એક રાઉન્ડ પગમાં ગોળી વાગી હતી. પ્રકાશ પર લાકડી અને બેઝબોલથી પણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો કર્યા બાદ ત્રણેય આરોપીઓ નાસી ગયા હતા.પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ફરિયાદી પ્રકાશભાઈનો આરોપી મોન્ટુ દેસાઈની પિતરાઈ બહેન સાથે પ્રેમસંબંધ હતો. આ પ્રેમસંબંધને કારણે સામાજિક રીતે સમાધાન થયું હોવા છતાં, મોન્ટુ દેસાઈએ આ અદાવત રાખી સહ-આરોપીઓ સાથે મળી આ ગુનાને અંજામ આપ્યો હતો.
આરોપી મોન્ટુ દેસાઈએ પોતાની પાસેના દેશી કટ્ટાથી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ તેણે લોખંડના હથોડા વડે પ્રકાશભાઈના જમણા પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી. સહ-આરોપીઓ અંકુરજી ઠાકોર અને પિન્ટુકુમાર નાઈએ પોતાની પાસેની લાકડીઓ અને બેઝબોલના ધોકા વડે પ્રકાશભાઈને માર માર્યો હતો. આ હુમલા દરમિયાન તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી.
ફરિયાદ બાદ પોલીસે ચોક્કસ બાતમીના આધારે, ગુનામાં વપરાયેલા તમામ હથિયારો અને વાહનો સાથે ત્રણ આરોપીઓને પકડી પાડ્યા છે. ઝડપાયેલ આરોપી મોન્ટુભાઈ ઘેમરભાઈ વેરસીભાઈ દેસાઈ,અંકુરજી જકશીજી બાબુજી ઠાકોર,પિન્ટુકુમાર દિનેશભાઈ લલ્લુભાઈ નાઈ મૂળ પાટણના છે અને અમદાવાદમાં રહે છે. મોન્ટુ દેસાઈ મકાન દલાલીનું કામ કરે છે. અંકુર ઠાકોર રિક્ષા ડ્રાઈવિંગ કરે છે. પિન્ટુ નાઈ સોલા પેનલમાં મજૂરી અને AC ઇન્સ્ટોલેશનનું કામ કરે છે.


