અમદાવાદ : શહેરના સોલા વિસ્તારમાં આવેલી એક ઓફિસમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ સોલા હાઈકોર્ટ પોલીસ દ્વારા ઉકેલવામાં આવ્યો છે. પોલીસે ઝડપી કામગીરી કરીને બે આરોપીઓને ચોરી કરેલા મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે.
રિપોર્ટ મુજબ, પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગોતામાં કૃષ્ણા વોટર સપ્લાય ત્રણ રસ્તા નજીકથી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં દિનેશ મીણા (ઉ.વ.22) અને વિનોદ મીણા (ઉ.વ.24)નો સમાવેશ થાય છે. બંને મૂળ રાજસ્થાન રાજ્યના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે અને હાલમાં અમદાવાદમાં રહેતા હતા.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓએ તા. 17 એપ્રિલની રાત્રે ગોતા વિસ્તારની અરાઈઝ કોર્પોરેટ હાઉસ નામની ઓફિસમાં પાછળની બારીનો લોક તોડી ગેરકાયદે પ્રવેશ કર્યો હતો અને લોખંડના લોકરમાંથી આશરે રૂ.1.10 લાખની ચોરી કરી હતી.પોલીસે આરોપીઓ પાસેથી રૂ.34,000 રોકડ અને એક લોખંડની પેટી સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ગુનો સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો.
આ કામગીરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એસ. સિંઘ અને તેમની ટીમ દ્વારા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. પોલીસની આ સફળ કામગીરીને કારણે વિસ્તારમાં સુરક્ષાની લાગણી મજબૂત બની છે.


