અમદાવાદ : અમદાવાદમાં ટ્રાફિક પોલીસની દાદાગીરી અને તોડબાજીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક્સપ્રેસ હાઈવે ચેક પોઈન્ટ નજીક અન્ય રાજ્યની કારના ચાલકને રોકીને તેને ધમકાવવા અને નાણાંની માંગણી કરવા બદલ એક હેડ કોન્સ્ટેબલ અને એક કોન્સ્ટેબલને પોલીસ કમિશનર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાની વિગતો વાઈરલ થયા બાદ પોલીસ વિભાગ સફાળું જાગ્યું હતું.
રિપોર્ટ મુજબ, પંકજસિંહ પરિહારે સોશિયલ મીડિયા પર પોતાની આપવીતી વર્ણવતા એક પોસ્ટ મૂકી હતી. તેમની ફરિયાદ મુજબ, સીટીએમ નજીક એક્સપ્રેસ-વે પર વાહન ચેકિંગ દરમિયાન ‘આઈ’ ડિવિઝન ટ્રાફિક પોલીસના બે જવાનોએ તેમને અટકાવ્યા હતા. આ પોલીસકર્મીઓએ પંકજસિંહનો મોબાઈલ ફોન લઈ લીધો હતો અને તેમની ખાનગી ગેલેરી તથા મેસેજ તપાસ્યા હતા. એટલું જ નહીં, તેમને એક કલાક સુધી અટકાવી રાખીને ચા-પાણીના નામે લાંચની માંગણી કરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો.
આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ પોલીસ વિભાગની છબી ખરડાઈ હતી, જેના પગલે શહેર પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું.અને ઉચ્ચ અધિકારીઓને રિપોર્ટ કરવામાં આવ્યો હતો. તપાસમાં તથ્ય જણાતા પોલીસ કમિશનર દ્વારા તાત્કાલિક અસરથી બંને કર્મચારીઓને સસ્પેન્ડ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
સ્થાનિકો અને વાહનચાલકોમાં એવી ચર્ચા છે કે આ માત્ર એક કિસ્સો છે, હકીકતમાં નારોલ અને એક્સપ્રેસ વે ચેકપોસ્ટ પર બહારના રાજ્યોના વાહનચાલકોને પરેશાન કરીને ઉઘરાણી કરવાની રીતસરની હાટડીઓ ચાલી રહી છે. ઉચ્ચ અધિકારીઓ બધું જાણતા હોવા છતાં અત્યાર સુધી આંખ આડા કાન કરતા હોવાના પણ આક્ષેપો ઉઠ્યા છે. માત્ર બે કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવાથી આ દૂષણ અટકશે નહીં, તેવી માંગ પણ ઉઠી છે.


