અમદાવાદ : અમદાવાદના વાસણા વિસ્તારમાં પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. ગાર્ડનમાં રમવા ગયેલા બે સગીર બાળકો પર પોલીસકર્મીઓએ હાથ ઉઠાવ્યો હોવાનો અને વીડિયો ઉતારતી યુવતીઓ સાથે ગેરવર્તણૂક કરી ઝપાઝપી કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાના વીડિયો પણ સામે આવ્યાં છે, જેમા રોષે ભરાયેલી યુવતી પોલીસકર્મીને ગાળો ભાંડી રહી છે.
રિપોર્ટ મુજબ, ગત 8 મે, 2026ની રાત્રે અંદાજે 11 વાગ્યાની આસપાસ વાસણાના સિનિયર સિટીઝન પાર્ક પાસે 9 અને 11 વર્ષના બે કિશોર ભાઈઓ રમવા ગયા હતા. પોલીસે બે કિશોર રાત્રે ગાર્ડનમાં ફરવા ગયા હોવાથી પોલીસની પીસીઆર વાનમાંથી એક પોલીસ કર્મીએ એક કિશોરને લાફો માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસ કર્મીઓએ તેમને બહાર કાઢી મારપીટ કરી હતી. પરિવારજનોનો આક્ષેપ છે કે પોલીસ દ્વારા મોબાઈલ ફોન લઈ કાયદેસર કાર્યવાહી કરવાની ધમકી પણ આપવામાં આવી હતી.પોલીસ કર્મચારી લોકો સાથે દાદાગીરી કરી ગેરવર્તણૂંક કરી હોવાનો લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ પોલીસ કર્મચારીએ કિશોરના પરિવારજનોનો ફોન લઈને કાયદેસરની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસની દાદાગીરી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં પોલીસ કર્મી અને લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો જોવા મળ્યા છે. દોષિત પોલીસકર્મી સામે પગલાં લેવા લોકોએ માગ કરી છે. બીજી તરફ પોલીસે જણાવ્યું હતું કે મહિલાઓએ પોલીસને બિભત્સ ગાળો આપી હતી. પોલીસ દ્વારા કોઈ ગેરવર્તન કરવામાં આવ્યું નથી અને બાળકને લાફો પણ મારવામાં આવ્યો નથી.


