અમદાવાદ : શહેરના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક પી.જી.માંથી થયેલી મોબાઇલ ચોરીની ઘટનાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો છે. પોલીસે બે મહિલા આરોપીની ધરપકડ કરી તેમની પાસેથી કુલ રૂ. 25 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.આ મહિલાઓ બહેરા-મૂંગા હોવાનો ઢોંગ કરીને લોકોની સહાનુભૂતિ મેળવતી અને ત્યારબાદ નજર ચૂકવી કિંમતી સામાન ચોરી લેતી હતી.
રિપોર્ટ મુજબ, વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મોબાઇલ ચોરીના ગુનાની તપાસ દરમિયાન સર્વેલન્સ સ્કોડને મળેલી બાતમીના આધારે તા. 15 મે 2026ના રોજ પેટ્રોલિંગ દરમિયાન આરોપી મહિલાઓને ઝડપી પાડવામાં આવી હતી.ઝડપાયેલ આરોપીઓમાં અન્નુબેન માંગીલાલ નટ અને પુજા કિરણભાઈ નટનો સમાવેશ થાય છે. બંને આરોપી મહિલાઓ કાળીગામ, સાબરમતી વિસ્તારમાં રહે છે.
પોલીસે તેમની પાસેથી વન પ્લસ કંપનીનો અંદાજિત રૂ. 20 હજારનો મોબાઇલ ફોન અને રેડમી કંપનીનો રૂ. 5 હજારનો મોબાઇલ ફોન મળી કુલ રૂ. 25 હજારનો મુદ્દામાલ રિકવર કર્યો છે.મહત્વનું છે કે તાજેતરમાં માધવ પીજીમાં થયેલી મોબાઈલ ચોરીની ઘટનામાં આ બંને મહિલાઓ CCTVમાં કેદ થઈ ગઈ હતી. ત્યારે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ બન્ને બહેનો લાંબા સમયથી આ રીતે ગુનાને અંજામ આપતી હતી.


