અમદાવાદ : સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનની ટીમને એક મોટી સફળતા મળી છે. પોલીસે બાતમીના આધારે સોલા વિસ્તારમાંથી એક્ટીવા ચોરી કરનાર એક ઇસમને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.પોલીસે આરોપી પાસેથી ચોરાયેલ એક્ટિવા પણ રિકવર કર્યું છે.
રિપોર્ટ મુજબ, સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એન. ભુકણની રાહબરીમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે આર.સી. ટેકનિકલ રોડ પર હરિઓમ ટિમ્બર માર્ટ સામે પોલીસે એક શંકાસ્પદ ઇસમને રોકી તપાસ કરતાં તેની પાસેથી ચોરાયેલ એક્ટિવા મળી આવી હતી.પકડાયેલ આરોપીનું નામ લગધીરભાઈ ધરમશીભાઈ દેસાઈ (ઉ.વ. ૫૭), રહે. મહાશક્તિ જનતાનગર, ચાણક્યપુરી, સોલા હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેની પાસેથી હોન્ડા એક્ટિવા નંબર GJ-01-PV-4382 કબ્જે કરી છે, જેની અંદાજિત કિંમત રૂપિયા 35 હજાર હોવાનું જણાવાયું છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીએ તા. 12 મે 2026ના રોજ કારગીલ ચાર રસ્તા પાસે આવેલા ટાટાના રિયા શોરૂમના ગેટ બહાર પાર્ક કરેલી એક્ટિવાનું લોક તોડી ચોરી કરી હતી. આ અંગે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.આ સમગ્ર કામગીરીમાં પો.સ.ઇ.એસ.જે. દેસાઈ સહિત પોલીસ સ્ટાફના કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.


