અમદાવાદ : શહેરમાં વાહનચાલકોની બેદરકારી અને સ્પીડના કારણે માર્ગ અકસ્માતોનો ગ્રાફ સતત વધી રહ્યો છે. શહેરના રાણીપ વિસ્તારમાં એક દિલધડક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં પુરપાટ ઝડપે આવતી બીઆરટીએસ બસે એક બાઈકને જોરદાર ટક્કર મારી હતી.આ અકસ્માત એક વ્યક્તિનું કમનસીબ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે.
રિપોર્ટ મુજબ, અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા ડી-માર્ટ નજીક બાઈક સવાર વ્યક્તિઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે પૂરઝડપે આવતી બીઆરટીએસ બસ સાથે તેમનું બાઈક અથડાયું હતું. આ અકસ્માતમાં ટક્કર એટલી જોરદાર હતી કે વ્યક્તિઓ રોડ પર ફંગોળાઈ ગયા હતા. જ્યારે બાઈક બસના નીચે આવી ગયું હતુ. આ બનાવને પગલે આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઇજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી છે. જ્યારે મૃતકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. આ અકસ્માતને કારણે રાણીપ વિસ્તારના મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
આ દુર્ઘટના સર્જાયા બાદ તરત જ રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક લોકો તાત્કાલિક બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, જેના કારણે રોડ પર મોટા પ્રમાણમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માત સર્જ્યા બાદ પકડાઈ જવાના ડરથી હોબાળો મચતા જ બીઆરટીએસ બસનો ડ્રાઇવર ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યો હતો અને પછી પોલીસ સમક્ષ સ્ટેશને હાજર થઇ ગયો હતો.
ટ્રાફ્કિ પોલીસે બસના ડ્રાઇવર સામે ગુનો નોંધી તેની કાયદેસર અટકાયત કરી છે. પોલીસ પૂછપરછમાં ડ્રાઇવરે બચાવ કર્યો હતો કે બાઈક ચાલક અચાનક જ કટમાંથી બસની સામે આવી ગયો હોવાથી બ્રેક મારવા છતાં અકસ્માત સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે, આ સ્થળે અગાઉ પણ અકસ્માતો થતા હોવાથી ટ્રાફ્કિ પોલીસે આ જોખમી કટ કાયમી ધોરણે બંધ કરાવ્યો હતો, પરંતુ તે ફ્રી ખુલી જતાં આજે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો.


