અમદાવાદ : અમદાવાદ શહેરમાં ખાસ કરીને આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની ફૂડ બ્રાન્ડ્સના આઉટલેટ્સમાં અવારનવાર જીવાતો નીકળવાના કિસ્સાઓ સામે આવતા રહે છે. આવો જ એક આઘાતજનક કિસ્સો નિકોલ વિસ્તારમાંથી પ્રકાશમાં આવ્યો છે, જ્યાં પ્રખ્યાત પિઝા આઉટલેટ ‘લા મિલાનો પિઝેરિયા’માંથી ઓનલાઇન મંગાવવામાં આવેલા પિઝામાંથી જીવાત નીકળતા ગ્રાહકે હોબાળો મચાવ્યો છે.
રિપોર્ટ મુજબ, શહેરના નિકોલ વિસ્તારમાં આવેલ ‘લા મિલાનો પિઝેરિયા’નામની જાણીતી ફૂડ આઉટલેટમાંથી એક જાગૃત ગ્રાહકે ઓનલાઇન ફૂડ ડિલિવરી એપ્લિકેશન દ્વારા પીઝા, ગાર્લિક બ્રેડ અને કોલ્ડ્રિંક્સ (કોક)નો ઓર્ડર આપ્યો હતો. ઓર્ડર ઘરે પહોંચ્યા બાદ જ્યારે ગ્રાહક અને તેનો પરિવાર હોંશે-હોંશે પીઝા ખાઈ રહ્યા હતા, બરાબર તે જ સમયે પીઝાના એક પીસ ઉપર કંઈક હલનચલન થતું દેખાયું અને ધ્યાનથી જોતા તેમાં જીવાત હોવાનું માલૂમ પડ્યું હતું. આ દ્રશ્ય જોઈને ગ્રાહકના હોશ ઉડી ગયા હતા અને તેમણે તાત્કાલિક આ અંગે પિઝેરિયાના સ્ટોર મેનેજરનો સંપર્ક કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો, જેની સામે સ્ટોર સંચાલકોએ પોતાની ગંભીર ભૂલ સ્વીકારીને મામલો થાળે પાડવા ગ્રાહકને રિફંડ આપવાની ઓફર કરી હતી.
જોકે, ગ્રાહકે માત્ર પૈસા પાછા મેળવવાને બદલે લોકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડાં સામે અવાજ ઉઠાવવાનું નક્કી કર્યું અને આ સમગ્ર મામલો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગના કાને પહોંચાડ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને AMCની હેલ્થ અને ફૂડ ડિપાર્ટમેન્ટની ટીમ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને રસપાન ચાર રસ્તા સ્થિત લા મિલાનો પિઝેરિયા પર દરોડા પાડીને તપાસ હાથ ધરી હતી.
જ્યાં પ્રાથમિક તપાસમાં જ ગંદકી અને નિયમોનું ઉલ્લંઘન જણાતા તંત્ર દ્વારા કડક હાથે કામગીરી કરીને આઉટલેટને રૂપિયા 10,000નો આકરો દંડ ફટકાર્યો છે. હાલમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફૂડની ગુણવત્તા, રસોડાની સ્વચ્છતા તેમજ વાસી સામગ્રીના વપરાશ મુદ્દે ઊંડાણપૂર્વકની વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે, જેથી ભવિષ્યમાં આવી બેદરકારી ન દોહરાવાય.


