અમદાવાદ : શાળા ખૂલવાના પહેલા જ દિવસે વાલીઓ માટે ચિંતાના સમાચાર સામે આવ્યા છે. CNG ગેસના ભાવમાં સતત થઈ રહેલા વધારાને પગલે આર્થિક બોજ વધ્યો છે. છેવટે અમદાવાદ સ્કૂલ વર્ધી ઍસોસિએશને પણ હથિયાર હેઠા મૂક્યા છે અને આજે ઍસોસિએશનની એક મહત્ત્વની બેઠક મળી હતી, જેમાં સર્વાનુમતે વાહનોના ભાડામાં વધારો કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.આ નવો ભાવવધારો આજથી જ સમગ્ર શહેરમાં અમલી બની જશે, જેને કારણે હજારો વાલીઓના માસિક બજેટ ખોરવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.
રિપોર્ટ મુજબ, અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા લેવાયેલા નિર્ણય અનુસાર, સ્કૂલ રિક્ષા અને વાન બંનેના લઘુત્તમ ભાડામાં સીધો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. જેમાં સ્કૂલ રિક્ષાના ભાડામાં 100નો વધારો મંજૂર કરાયો છે. આ પૂર્વે જે લઘુત્તમ ભાડું રૂપિયા 750 હતું, તે વધીને હવે રૂપિયા 850 થઈ જશે. પ્રતિ કિલોમીટરના અંતર દીઠ પણ રૂપિયા 100નો વધારો લાગુ પડશે. વાનના માસિક ભાડામાં રૂપિયા 200નો વધારો નક્કી કરવામાં આવ્યો છે. અગાઉ વાનનું લઘુત્તમ ભાડું રૂપિયા 1200 હતું, જે હવેથી વાલીઓએ રૂપિયા1400 ચૂકવવું પડશે. વાનમાં પ્રતિ કિલોમીટર દીઠ રૂપિયા 200નો વધારો થશે. ત્યાં બીજી તરફ ટ્રાન્સપોર્ટેશનના ભાડામાં થયેલો આ વધારો મધ્યમવર્ગીય પરિવારોના ઘરનું બજેટ ખોરવશે તે પણ નક્કી છે.
માત્ર રિક્ષા કે વાન જ નહીં, પરંતુ સ્કૂલ બસમાં પોતાના બાળકોને મોકલતા વાલીઓએ પણ ખિસ્સા હળવા કરવા માટે તૈયાર રહેવું પડશે. સ્કૂલ બસ એસોસિએશન સાથે આ અંગે વિસ્તૃત ચર્ચા થઈ ચૂકી છે અને આગામી દિવસોમાં સ્કૂલ બસના ભાડામાં પણ 15 ટકાથી 20 ટકા સુધીનો મોટો વધારો ઝીંકવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.
આ નિર્ણયની વ્યાપકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે માત્ર અમદાવાદ શહેરમાં જ અંદાજે 15,000 જેટલા વાહનો સ્કૂલ વર્ધીની સેવા સાથે સંકળાયેલા છે. જ્યારે સમગ્ર ગુજરાતની વાત કરીએ તો આ આંકડો 80,000 વાહનો જેટલો વિશાળ છે. આ સંજોગોમાં રાજ્યભરના લાખો મધ્યમવર્ગીય પરિવારો પર સીધો આર્થિક ફટકો પડશે. એસોસિએશનનું કહેવું છે કે વધતી જતી મોંઘવારી અને મેન્ટેનન્સના ખર્ચને પહોંચી વળવા માટે આ ભાવવધારો કરવો અનિવાર્ય બન્યો હતો.


