અમદાવાદ : અમદાવાદમાં દરરોજ એસટી બસ મારફતે લાખો મુસાફરો આવનજાવન કરે છે, ત્યારે તેમની સુવિધામાં વધારો કરવા માટે ટર્મિનલ-2 બનીને તૈયાર થઈ ગયું છે.નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીના હસ્તે ગીતામંદિર ખાતે નિર્માણ પામેલ એરપોર્ટ જેવી સુવિધા વાળું અત્યાધુનિક ગીતામંદિર બસ ટર્મિનલ-2 (નોર્થ બ્લોક) આઇકોનિક બસપોર્ટ’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.મુસાફરોને આધુનિક અને સુવિધાસભર સુવિધાઓ પૂરી પાડવાના હેતુથી આ આઇકોનિક બસપોર્ટ તૈયાર કરવામાં આવ્યું છે.
બસ ટર્મિનલનું કુલ બાંધકામ ક્ષેત્રફળ 4,309 ચોરસ મીટરમાં પથરાયેલું છે. મુસાફરોના આવાગમન માટે કુલ 39 બોર્ડિંગ, એલાઇટીંગ અને આઇડીયલ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મુસાફરોની સરળતા માટે 218 ચો.મી. ક્ષેત્રફળમાં 3 ઇન્ક્વાયરી ઓફિસ, ટિકિટીંગ કાઉન્ટર, 39.38 ચો.મી.નું ટુરિસ્ટ ઇન્ફોર્મેશન સેન્ટર, કન્સેશનર ઓફિસ, ક્લોક રૂમ (45 ચો.મી.), વોટર રૂમ, પબ્લિક એડ્રેસિંગ સિસ્ટમ, સ્ટોર રૂમ (333.50 ચો.મી.) ની સુવિધાઓ છે.
વધુમાં આરામદાયક વેઇટિંગ હોલ અને પૂરતી બેઠક વ્યવસ્થા પણ છે જેમાં જનરલ વેઇટિંગ હોલ લેડીઝ વેઇટિંગ હોલ,ડીલક્સ વેઇટિંગ હોલ અને બોર્ડિંગ તથા એલાઇટીંગ કોન્કોર્સ એરિયામાં મુસાફરો માટે 412 ચો.મી.માં 370 બેઠકોની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે.આ સાથે બસ ટર્મિનલમાં 130 સીટ ધરાવતી વિશાળ કેન્ટીન, 71.57 ચો.મી. નો પાર્સલ રૂમ, અને 3000 ચો.મી.નો બી.ટી.એફ. પાર્કિંગ એરિયા ઉપલબ્ધ છે.
વધુમાં મુસાફરો માટે શૌચાલય વ્યવસ્થા પણ છે. મહિલાઓ માટે 29 શૌચાલય અને 7 બાથરૂમ તથા પુરુષો માટે 21 શૌચાલય, 5 બાથરૂમ અને 33 યુરીનલ અને દિવ્યાંગ મુસાફરો માટે 3 વિશેષ શૌચાલયની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ ઉપરાંત બસ નિગમના ડ્રાયવર અને કન્ડક્ટર મિત્રોના આરામ માટે થર્ડ ફ્લોર પર 255 ચો.મી. માં રેસ્ટ રૂમ અને ડોર્મેટરીની વ્યવસ્થા કરવામાં આવી છે.


