અમદાવાદ : અમદાવાદ શહેર મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ફૂડ ડિપાર્ટમેન્ટે નાગરિકોના આરોગ્યની સુરક્ષા માટે મોટું ચેકિંગ અભિયાન હાથ ધર્યું છે. સત્તાવાર અહેવાલો મુજબ, શહેરમાં ખાદ્ય સામગ્રીના ગુણવત્તાના ધોરણો ચકાસવા માટે દરોડા પાડીને જગતપુરમાં મુંબઈયા વડાપાવ, નારણપુરામાં આવેલ કૈલાસ દુગ્ધાલય અને ખોખરા સ્થિત ખોડિયાર દુગ્ધાલય સહિત 4 જાણીતા એકમોને તાત્કાલિક સીલ કરી દેવામાં આવ્યા છે.
રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે જગતપુર ખાતે આવેલા ‘મુંબઈયા મિસળપાવ’ આઉટલેટને પણ સીલ કરી દીધું છે. ફૂડ વિભાગની તપાસ દરમિયાન અહી રસોઈમાં વપરાતા કુકિંગ ઓઈલની ગુણવત્તા અત્યંત ખરાબ હોવાનું સામે આવ્યું હતું. ચકાસણી દરમિયાન કુકિંગ ઓઈલમાં ટોટલ પોલર કમ્પાઉન્ડનું પ્રમાણ નિયત મર્યાદા કરતાં ઘણું વધુ મળી આવ્યું હતું, જે સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરે છે.
આ કાર્યવાહી દરમિયાન ભેળસેળયુક્ત અને નકલી એનાલોગ પનીરનો ઉપયોગ કરતા બે મોટા એકમોને તુરંત સીલ કરી દેવામાં આવ્યા છે. જેમાં ખોખરા સ્થિત ખોડિયાર દુગ્ધાલય અને નારણપુરામાં આવેલ કૈલાસ દુગ્ધાલયનો સમાવેશ થાય છે. બંને સ્થળેથી આરોગ્ય માટે હાનિકારક એનાલોગ પનીર ઝડપાતાં આ આકરાં પગલાં લેવાયાં છે.
આ ઉપરાંત નરોડા વિસ્તારમાં આવેલી ‘ઓમ શક્તિ રેસ્ટોરન્ટ’ પર પણ ફૂડ વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા. અહીં ગ્રાહકોને પીરસાતી શાક-ગ્રેવીમાં ભેળસેળયુક્ત અને પ્રતિબંધિત સિન્થેટિક કલરનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું ખુલ્લું પડ્યું હતું. કેમિકલયુક્ત કૃત્રિમ કલરનો ઉપયોગ પકડાતાં જ તંત્રે ઓમ શક્તિ રેસ્ટોરન્ટને સ્થળ પર જ સીલ કરી દીધી છે.
અમદાવાદમાં એકસાથે 4 જેટલા જાણીતા ખાદ્ય એકમોને સીલ કરવામાં આવતાં જ ભેળસેળયુક્ત સામગ્રી અને અખાધ્ય પદાર્થો વેચતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. AMC ના ફૂડ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ કરનાર કોઈપણ આઉટલેટ કે વેપારીને બક્ષવામાં નહીં આવે અને આગામી દિવસોમાં આ ચેકિંગ ઝુંબેશ વધુ સઘન બનાવવામાં આવશે.


