અમદાવાદ : નાગરિકોને ગુણવત્તાયુક્ત અને સલામત ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ખાદ્ય ધંધાકીય એકમો સામે સઘન ચેકિંગ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ કાર્યવાહી દરમિયાન કેટલાક એકમોમાંથી એક્સપાયર થયેલા ખાદ્ય પદાર્થો તેમજ અપ્રમાણિત ખાદ્ય પદાર્થોના નમૂના મળી આવતા સંબંધિત એકમોને સીલ કરવામાં આવ્યા છે.
રિપોર્ટ મુજબ, AMCના ફૂડ વિભાગે શ્રી કૃષ્ણા સેલ્સ કોર્પોરેશન, શેડ નં. 15, ગોડાઉન નં. 9 અને 3, જય રખિયાલ રોડ, અમદાવાદ ખાતે સીલિંગની કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન ધંધાની જગ્યાએથી આશરે 3 ટન એટલે કે 3000 કિલોગ્રામ તારીખ વીતી ગયેલા ખાદ્ય પદાર્થો મળી આવ્યા હતા. આ ઉપરાંત ધંધાની જગ્યાએ હાઇજેનિક કન્ડિશનનો પણ અભાવ જોવા મળ્યો હતો. જેના પગલે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
AMC દ્વારા હરિહર કાઠિયાવાડી, 1-જીએફ, મેરીગોલ્ડ કોમ્પ્લેક્સ, સફલ પરિસર રોડ, સરખેજ, અમદાવાદ ખાતે પણ સીલિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન અગાઉ લેવામાં આવેલ પનીરનો નમૂનો અપ્રમાણિત જાહેર થયો હોવાનું સામે આવ્યું હતું. આ મામલે સંબંધિત એકમ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત J.B. ડેરી એન્ડ પાર્લર, C/2, ભગવતી કુંજ સોસાયટી, રવિનગર, જીવરાજ પાર્ક, જોધપુર, અમદાવાદ ખાતે પણ સીલિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન અગાઉ લેવામાં આવેલ ઘીનો નમૂનો અપ્રમાણિત જાહેર થયો હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે AMCના ફૂડ વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય ધંધા સાથે સંકળાયેલા તમામ ધંધાકીય એકમોની સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન FSSAI અંતર્ગત લાઇસન્સ વિના ધંધો કરતા અથવા નિયમોનું પાલન ન કરતા એકમો મળી આવશે તો તેમની સામે FSSA/GPMC એક્ટ અંતર્ગત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. AMCના ફૂડ વિભાગની આ કાર્યવાહીનો મુખ્ય હેતુ શહેરના નાગરિકોને સલામત, ગુણવત્તાયુક્ત અને નિયમો અનુસાર તૈયાર થયેલા ખાદ્ય પદાર્થો મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે.
શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે AMC દ્વારા સઘન ચેકિંગ શરૂ કરવામાં આવતા ખાદ્ય વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં પણ નિયમોનું ઉલ્લંઘન કરતા એકમો સામે કાર્યવાહી વધુ તેજ બને તેવી શક્યતા છે.


