અમદાવાદ : નિકોલ વિસ્તારમાં નકલી વિદેશી દારૂ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. સસ્તી બ્રાન્ડના દારૂમાં અલગ-અલગ કેમિકલ અને ફ્લેવર ભેળવી તેનો સ્વાદ અને દેખાવ બદલ્યા બાદ તેને મોંઘી બ્રાન્ડના નામે વેચવાની તૈયારી ચાલી રહી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. સમગ્ર મામલે પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોંધી એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
રિપોર્ટ મુજબ, નિકોલ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ક્વોડના પોલીસ કર્મચારીઓને સ્ટેટ મોનિટરિંગ સેલ તરફથી બાતમી મળી હતી કે અટલ આવાસ યોજનાના ગેટ પાસે સુનિલ માખીજા અને દિનેશ જંડાવાલા નામના શખ્સો ભેગા મળી બનાવટી અંગ્રેજી દારૂ તૈયાર કરી છૂટકમાં વેચાણ કરે છે. SMC અને સ્થાનિક પોલીસે રેડ પાડી જ્યુપિટર પાસે ઉભેલા સુનિલ ઉર્ફે સોનુ રમેશભાઈ માખીજાને ઝડપી લીધો હતો.
પોલીસે સુનિલના સ્કૂટરની ડિક્કી ચેક કરતા અંદરથી મોંઘી બ્લેન્ડેડ દારૂની બોટલ મળી આવી હતી. આરોપીની કબૂલાત બાદ પોલીસે તેના ભાગીદાર દિનેશ કુબેરનગર સ્થિત ઘરે પણ તપાસ કરી હતી. ત્યાંથી વિવિધ ફ્લેવર અને કેમિકલ ભરેલી ધાતુની 4 અને પ્લાસ્ટિકની 4 નાની બોટલો તથા એક આધારકાર્ડ મળી આવ્યું હતું. પોલીસે કુલ 6500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 5000 રૂપિયાના મોબાઈલ ફોનનો પણ સમાવેશ થાય છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સુનિલ અને ફરાર આરોપી દિનેશ છેલ્લા એકાદ વર્ષથી આ ગેરકાયદે ધંધો ચલાવતા હતા. તે ચામુંડા બ્રિજ નીચે આવેલી ભંગારની દુકાનેથી મોંઘી બ્રાન્ડની ખાલી બોટલો, ઢાંકણા અને લેબલ લાવતા હતા. ત્યારબાદ તેમાં સસ્તો વિદેશી દારૂ, પાણી અને બ્રાન્ડ મુજબની ચોકલેટ કે અન્ય ફ્લેવર મિક્સ કરીને નકલી સીલ મારી દેતા હતા. હાલ પોલીસે સુનિલની ધરપકડ કરી છે અને ફરાર દિનેશને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. બંને સામે ગુનો નોંધવામાં આવ્યો છે.


