અમદાવાદ : અમદાવાદ શહેરમાં આગામી 25 સપ્ટેમ્બર રોજ યોજાનાર ગણેશ વિસર્જનને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા અને સુચારુ ટ્રાફિક સંચાલન માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા એક વિશેષ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. વિસર્જનના દિવસે બપોરે 1:00 વાગ્યાથી સમગ્ર વિસર્જન પ્રક્રિયા સંપન્ન ન થાય ત્યાં સુધી શહેરના મુખ્ય માર્ગો સામાન્ય વાહનવ્યવહાર માટે પ્રતિબંધિત રહેશે અને વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરવામાં આવી છે.
રિપોર્ટ મુજબ, અમદાવાદમાં ગણેશ વિસર્જન શોભાયાત્રાના માર્ગો પર ટ્રાફિક જામની સ્થિતિ નિવારવા અને ભક્તોની સુરક્ષા જાળવવા માટે ગીતામંદિરથી પાલડી સુધીનો આખો રોડ બંધ રાખવામાં આવશે. આ સાથે કાલુપુર રેલવે સ્ટેશન વિસ્તારથી લઈને ટાઉનહોલ સુધીના માર્ગ પર પણ બપોરે 1:00 વાગ્યાથી વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે. આ માર્ગો માત્ર વિસર્જન માટે જતી ગણેશજીની પ્રતિમાઓ, વિસર્જન યાત્રાઓ અને ઈમરજન્સી સેવાઓ માટે જ ખુલ્લા રહેશે.

શોભાયાત્રા દરમિયાન રસ્તા પર કોઈ અડચણ કે અકસ્માત ન સર્જાય તે હેતુથી ગીતામંદિર, પાલડી, કાલુપુર અને ટાઉનહોલ તરફના તમામ રસ્તાઓ અને તેને જોડતી ગલીઓને “નો પાર્કિંગ ઝોન” તરીકે જાહેર કરવામાં આવ્યા છે. વિસર્જન માર્ગ પર કોઈ પણ વાહન પાર્ક કરવાની સખત મનાઈ રહેશે. જો કોઈ વાહન બિનવારસી અથવા નિયમ વિરુદ્ધ પાર્ક થયેલું જણાશે, તો ટ્રાફિક ક્રેન દ્વારા તેને ઉપાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના સામાન્ય વાહનચાલકો અને મુસાફરોને આહ્વાન કરવામાં આવ્યું છે કે તેઓ આ નિયત સમયગાળા દરમિયાન બંધ કરાયેલા રસ્તાઓનો ઉપયોગ કરવાને બદલે વૈકલ્પિક માર્ગો પસંદ કરે. ખાસ કરીને કાલુપુર રેલવે સ્ટેશન કે ગીતામંદિર એસ.ટી. સ્ટેન્ડ તરફ જતા મુસાફરોને સમયસર પહોંચવા માટે ઘરેથી વહેલા નીકળવા અને ટ્રાફિક પોલીસના જવાનોની સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરાયો છે.


