અમદાવાદ : ગણેશ ચતુર્થીથી શરૂ થયેલા 10 દિવસીય ગણેશોત્સવનું આજે (25 સપ્ટેમ્બર) અનંત ચતુર્દશીએ સમાપન થયું હતું, ત્યારે રાજ્યભરમાં નાની-મોટી ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ગણપતિજીની પ્રતિમાઓનું ક્રેનની મદદથી વિસર્જન કરવામાં આવ્યું હતું. વિસર્જન દરમિયાન ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના નાદ સાથે ભક્તોમાં ઉત્સાહ અને વિદાયનું દુઃખ બંને જોવા મળ્યું હતું.
રિપોર્ટ મુજબ, અનંત ચતુર્દશીના પવિત્ર દિવસે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે બનાવવામાં આવેલા કૃત્રિમ વિસર્જન કુંડમાં શ્રદ્ધાળુઓ દ્વારા હરખભેર શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. અંતિમ દિવસે ગણપતિ બાપ્પાને વિદાય આપવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સાબરમતી નદીનું પ્રદૂષણ અટકાવવા કોર્પોરેશન દ્વારા વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે, જેમાં મોટી મૂર્તિઓના સલામત વિસર્જન માટે ક્રેન અને તરાપા ગોઠવવામાં આવ્યા છે.
શહેરના સાતેય ઝોનમાં વિસર્જન માટે કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા હતા. પશ્ચિમ ઝોનમાં વસ્ત્રાપુર તળાવ, સોલા, બોપલ અને રાંચરડા તળાવ સહિતના વિસ્તારોમાં વિસર્જન માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉત્તર ઝોનમાં કોતરપુર ગામ, ભદ્રેશ્વર સ્મશાન, રણમુક્તેશ્વર મંદિર અને સૈજપુર તળાવ ખાતે કુંડ બનાવાયા હતા. તો દક્ષિણ ઝોનમાં મણિનગર ઢેઢકી નર્સરી, વટવા આકૃતિ ટાઉનશીપ અને લાંભા સહિતના વિસ્તારોમાં વ્યવસ્થા કરવામાં આવી હતી. આ તરફ મધ્ય ઝોનમાં જમાલપુર, રાયપુર અને શાહીબાગ સહિતના વિસ્તારોમાં પણ વિસર્જન માટે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
પર્યાવરણની સુરક્ષા માટે પ્લાસ્ટર ઓફ પેરિસ (POP)ની મૂર્તિઓનું નદીમાં વિસર્જન ન કરવા અને AMC દ્વારા બનાવવામાં આવેલા કૃત્રિમ કુંડમાં જ વિસર્જન કરવા સૂચના આપવામાં આવી હતી. સાથે જ નવ ફૂટથી મોટી મૂર્તિઓ અંગે પણ નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા હતા.
આમ અમદાવાદ રિવરફ્રન્ટ પર ક્રેનથી થયેલા ગણપતિ વિસર્જન દરમિયાન ભક્તોએ ઢોલ-નગારાં અને ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના નાદ સાથે બાપાને વિદાય આપી હતી. ઉત્સવની ખુશી વચ્ચે વિદાયની લાગણી અને આવતા વર્ષે ફરી બાપ્પાના આગમનની આશા સાથે ગણેશોત્સવનું સમાપન થયું હતું.


