અમદાવાદ : અમદાવાદ પશ્ચિમ વિસ્તારમાં એક સાથે ત્રણ મહત્વપૂર્ણ બ્રિજોની કામગીરી શરૂ થઈ ચૂકી છે, જેના કારણે આગામી માર્ચ 2028 સુધી શહેરીજનોને ભારે ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. ચીમનભાઈ પટેલ બ્રિજના વાઈડનિંગની સાથે સુભાષબ્રિજનું રિકન્સ્ટ્રક્શન અને તેની બંને તરફ ટુ-લેન બ્રિજ બનાવવાની કામગીરીનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ્સ પૂરા થતાં સાબરમતી અને ચાંદખેડા તરફ જતાં વાહનચાલકોને મોટી રાહત મળશે
આ વધારાની પાંખ હયાત ચીમનભાઈ બ્રિજની સમાંતર આગળ વધીને સુભાષબ્રિજ, RTO સર્કલથી શરૂ થઈને સાબરમતી બુલેટ ટ્રેન ડેપો અને સાબરમતી રેલવે સ્ટેશન નજીક પુરી થશે. આ નવો કલાઈઓવર સાબરમતી, ચાંદખેડા, ગાંધીનગર અને ઉત્તર ગુજરાત તરફ જતા ભારે ટ્રાફિકને સીધો રસ્તો આપશે. તેમાં સુભાષબ્રિજ સર્કલ તરફ ઉતરવા માટે એક ડાઉન રેમ્પ(આર્મ) ઉતારવામાં આવશે. જેથી કાલીગામ અને બુલેટ ટ્રેન ડેપો તરફ વધનારા ટ્રાફિકને રાહત મળશે.પરંતુ હાલ નિર્માણ કાર્ય ચાલુ હોવાથી બે વર્ષ સુધી કાળઝાળ ટ્રાફિક જામ સર્જાવાની પૂરેપૂરી સંભાવના છે.
સાબરમતી ટોરેન્ટ પાવર ચાર રસ્તાથી ચીમનભાઈ બ્રિજ સુધી 500 મીટર કે તેથી વધુ લાંબો ટ્રાફિક જામ રોજ જોવા મળે છે.આર.ટી.ઓ. સર્કલ, એ અમદાવાદ પશ્ચિમને પૂર્વ અને ગાંધીનગરને જોડતુ મુખ્ય જંક્શન હોવાથી બ્રિજ ઉપરથી આવતા વાહનોના કારણે આખું સર્કલ અને તેની આસપાસનો રોડ ચોકઅપ થઈ જાય છે.
પ્રમોદ રાવલ બ્રિજ જંક્શન આ બ્રિજનો એક ભાગ પ્રમોદ રાવલ બ્રિજ તરફ કનેક્ટ થતો હોવાથી રાણીપ, નિર્ણયનગર, જી.એસ.ટી. અને નિર્ણયનગર તરફથી આવતો ટ્રાફિક તેમજ ત્યાં જતો ટ્રાફિક આ જંક્શન ઉપર અટવાઈ જાય છે. સવાર અને સાંજના પીક અવર્સના સમયમાં અહીં વાહનોની લાંબી લાઈન લાગે છે.
અખબારનગર જંક્શન ચીમનભાઈ બ્રિજ ઉપર ટ્રાફિક જામ હોવાના વૈકલ્પિક માર્ગ તરીકે વાહન ચાલકો વાડજ અને અખબારનગર અંડરબ્રિજ તરફ ડાયવર્ટ થાય છે આ કારણે આ ચાર રસ્તા ઉપર ટ્રાફિકનું ભારણ વધી જાય છે.


