અમદાવાદ: નવરાત્રી પર્વ દરમિયાન શહેરીજનોને શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય સામગ્રી મળી રહે તે હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા વિશેષ તકેદારી અને કડક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.ગરબા મહોત્સવ દરમિયાન ઊભા કરાતા તમામ ફૂડ સ્ટોલ માટે હવે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI)નું રજિસ્ટ્રેશન મેળવવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
AMCના આરોગ્ય વિભાગે સ્પષ્ટતા કરી છે કે ગરબા સ્થળ પર જેટલા ફૂડ સ્ટોલ હશે, તે તમામ સ્ટોલનું રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી રહેશે. સ્ટોલની સંખ્યા પ્રમાણે નોંધણી હોવી જોઈએ. જો કોઈ આયોજક અથવા સંચાલક અનેક ફૂડ સ્ટોલ ચલાવતો હોય, તો તમામ સ્ટોલ માટે એક જ રજિસ્ટ્રેશન માન્ય ગણવામાં આવશે નહીં.ગરબા આયોજનોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટતા હોવાથી ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવશે.

એટલે કે, એક જ ગરબા સ્થળ પર 5 ફૂડ સ્ટોલ કાર્યરત હોય તો તે તમામ સ્ટોલ માટે અલગ-અલગ નોંધણી કરાવવાની રહેશે. માત્ર એક રજિસ્ટ્રેશનના આધારે તમામ સ્ટોલ ચલાવી શકાશે નહીં. આ વ્યવસ્થા દ્વારા દરેક સ્ટોલની અલગ ઓળખ અને તેની કામગીરી પર દેખરેખ રાખવામાં સરળતા રહેશે. આરોગ્ય વિભાગની સૂચના મુજબ ફૂડ સ્ટોલ સંચાલકોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ માટે રૂપિયા 100ની ફી ચૂકવવાની રહેશે. જે સ્ટોલનું જરૂરી રજિસ્ટ્રેશન નહીં હોય, તેને તપાસ દરમિયાન તાત્કાલિક બંધ કરવામાં આવશે.
AMCના ઈન્ચાર્જ આરોગ્ય ઓફિસર તેજસ શાહે આ અંગે માહિતી આપી છે. નવરાત્રી દરમિયાન ફૂડ સ્ટોલ સંચાલકો નિયમોનું પાલન કરે અને જરૂરી નોંધણી અગાઉથી કરાવી લે તે જરૂરી છે.
આમ, અમદાવાદમાં નવરાત્રી દરમિયાન ફૂડ સ્ટોલ ચલાવનારાઓએ રજિસ્ટ્રેશન અને આરોગ્ય વિભાગના નિયમોનું ખાસ ધ્યાન રાખવું પડશે. નિયમોનું પાલન નહીં કરનાર સ્ટોલ સામે તાત્કાલિક કાર્યવાહી થઈ શકે છે.


