અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતીય રાજકારણ અને જનસેવાના ક્ષેત્રે અનોખો ઇતિહાસ રચ્યો છે. તેમના સાર્વજનિક જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર રાજ્યમાં એક ઉત્સાહ અને કૃતજ્ઞતાનું મોજું ફરી વળ્યું છે. આ અવસરને યાદગાર બનાવવા માટે ‘જન સેવાથી રાષ્ટ્ર સેવા’ના ઉમદા સંદેશ સાથે ‘વિકસિત ભારત સંકલ્પ અભિયાન’ અંતર્ગત અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ભવ્ય ‘સેવા જ્યોતિ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિશેષ રૂપથી ઉપસ્થિત રહ્યા હતા અને નાગરિકો સાથે મળીને દેશના યશસ્વી વડાપ્રધાનની બે દાયકા કરતા વધુ સમયની અવિરત રાષ્ટ્રસેવાને બિરદાવી હતી.આ પ્રસંગે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કર્યું હતું, જેને મુખ્યમંત્રીશ્રી સહિતના સૌ મહાનુભાવો અને ઉપસ્થિતોએ નિહાળ્યું હતું.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે આયોજિત ‘સેવા જ્યોતિ યાત્રા’ના માધ્યમથી ‘વિકસિત ભારત’ની યાત્રામાં સહભાગી બનવાનો સંદેશ સૌ નાગરિકોને આપ્યો હતો.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સંબોધન બાદ મહાનુભાવો દ્વારા ‘સેવા જ્યોત’ પ્રજ્જવલિત કરવામાં આવી હતી અને સૌએ ‘વિકસિત ભારત’ માટેના શપથ પણ લીધા હતા.ત્યારબાદ ‘સેવા જ્યોતિ કળશ યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જનસેવા, સુશાસન અને રાષ્ટ્રનિર્માણની ભાવનાને જન-જન સુધી પહોંચાડતી આ યાત્રામાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક સહભાગી બની વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની 25 વર્ષની અવિરત જનસેવા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

અમદાવાદમાં યોજાયેલી ‘સેવા જ્યોતિ યાત્રા’ ની સાંગોપાંગ પૂર્ણાહુતિ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટાઉનહોલ નજીક આવેલી મહાન ચિંતક સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સ્વામી વિવેકાનંદજીના વિચારોને અનુસરીને જ રાષ્ટ્રસેવા અને યુવાશક્તિને સાથે રાખીને આગળ વધવાની પ્રેરણા આ ક્ષણે આપવામાં આવી હતી. માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ ગુજરાતના તમામ જિલ્લાઓ અને મહાનગરોમાં પણ આ પ્રકારની ‘સેવા જ્યોતિ યાત્રા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ ઐતિહાસિક કાર્યક્રમમાં રાષ્ટ્રીય અને સ્થાનિક સ્તરના અનેક અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પશ્ચિમ બંગાળના મંત્રી અજયકુમાર પોદ્દાર, અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ, સ્થાનિક સાંસદ હસમુખભાઈ પટેલ, દિનેશભાઈ મકવાણા, શહેર-જિલ્લાના તમામ ધારાસભ્યો અને શહેર અધ્યક્ષ પ્રેરક શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત, વહીવટી તંત્રના મોરચે અધિક મુખ્ય સચિવ જયંતી રવિ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, અને કલેક્ટર ભવ્ય વર્મા સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓએ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું.


