અમદાવાદ : ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ગુજરાત સ્ટેટ બ્રાન્ચ દ્વારા વર્ષ 2025-26 માટેના વાર્ષિક એવોર્ડ્સની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સમગ્ર ગુજરાતભરમાંથી વિવિધ બ્રાન્ચોમાંથી અમદાવાદ મેડિકલ એસોસિએશનના (AMA) પ્રમુખ તરીકે નવા વાડજના જાણીતા તબીબ ડૉ. જીગ્નેશ સી. શાહની ‘ડૉ. અનિલકુમાર જે. નાયક બેસ્ટ લોકલ બ્રાન્ચ પ્રેસિડન્ટ એવોર્ડ’ માટે પસંદગી કરવામાં આવી છે.
રિપોર્ટ મુજબ, વર્ષ 2025-26ના સમયગાળા દરમિયાન અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ તરીકે નવા વાડજ સ્થિત જિગીષા મલ્ટિસ્પેશ્યાલીટી હોસ્પિટલના જાણીતા તબીબ ડૉ. જીગ્નેશ સી. શાહ કાર્યરત રહ્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા હાથ ધરવામાં આવેલી સભ્ય નોંધણીની કામગીરી અને વિવિધ તબીબી-સામાજિક પ્રવૃત્તિઓની નોંધ લઈને રાજ્ય શાખા દ્વારા આ બહુમાન કરવાનો નિર્ણય લેવાયો છે.
આ ઉપરાંત, ગુજરાત સ્ટેટ બ્રાન્ચ દ્વારા ડૉ. જીગ્નેશ સી. શાહના કાર્યકાળ દરમિયાન અમદાવાદ મેડિકલ એસોસિએશનની શ્રેષ્ઠ અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ વધુ બે પ્રતિષ્ઠિત ટ્રોફી માટે પણ પસંદગી કરવામાં આવી છે.જેમાં અમદાવાદ મેડિકલ એસોસિએશનને 1001 કે તેથી વધુ સભ્યો ધરાવતી શાખા માટેની મેમ્બરશિપ ડ્રાઇવ ટ્રોફી તેમજ ડૉ. જે. આર. જાજુ ટ્રોફી માટે પસંદ કરાઈ હોવાનું જણાવાયું છે. આ પસંદગી વર્ષ 2025-26 માટે કરવામાં આવી છે.
આગામી 31 ઑક્ટોબરના શનિવાર રોજ ગુજરાત સ્ટેટ બ્રાન્ચની વાર્ષિક કોન્ફરન્સ GIMACON–2026 દરમિયાન યોજાશે. મહેસાણા-અમદાવાદ હાઇવે પર આવેલા શંકુઝ વોટર પાર્ક એન્ડ રિસોર્ટ ખાતે યોજાનાર આ રાજ્યકક્ષાના સંમેલનમાં ડૉ. જીગ્નેશ સી. શાહને ‘ડૉ. અનિલકુમાર જે. નાયક બેસ્ટ લોકલ બ્રાન્ચ પ્રેસિડન્ટ એવોર્ડ’ અને અમદાવાદ મેડિકલ એસોસિએશનને આ સન્માન અર્પણ કરવામાં આવશે.
આ સિદ્ધિ બદલ IMA ગુજરાત સ્ટેટ બ્રાન્ચ દ્વારા ડૉ. જીગ્નેશ સી. શાહ અને અમદાવાદ મેડિકલ એસોસિએશનને વિશેષ અભિનંદન પાઠવવામાં આવ્યા છે. જીગ્નેશ સી. શાહ અને અમદાવાદ મેડિકલ એસોસિએશનને આ ગૌરવવંતો એવોર્ડ પ્રાપ્ત થવા બદલ સમગ્ર તબીબી આલમ અને સાથી તબીબો તરફથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.
ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) દેશના 28 રાજ્યો અને 5 કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિસ્તરેલું છે, જેમાં સમગ્ર દેશભરમાં 1700 થી પણ વધુ સ્થાનિક શાખાઓ સક્રિય છે. આવા વિશાળ સંગઠનમાં રાજ્ય સ્તરે ડૉ. જીગ્નેશ સી. શાહ અને અમદાવાદ મેડિકલ એસોસિએશને મેળવેલી આ ત્રેવડી સિદ્ધિ સમગ્ર અમદાવાદવાસીઓ અને સમગ્ર અમદાવાદના તબીબી જગતમાં હર્ષ અને ગૌરવની લાગણી પ્રસરી ગઈ છે.
અમદાવાદ મેડિકલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ તરીકે નવા વાડજના ડો. જીગ્નેશ શાહની વર્ષ 2025-26 કાર્યકાળ દરમિયાન થયેલ નોંધપાત્ર પ્રવૃત્તિઓ પર એક નજર…
અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) દ્વારા વર્ષ 2025-26 દરમિયાન આરોગ્ય સેવા, જનજાગૃતિ, શૈક્ષણિક પરિસંવાદો તેમજ સામાજિક અને રમતગમત ક્ષેત્રે વ્યાપક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. એસોસિએશનના આ વર્ષના કાર્યકાળને “Beyond the Scope of Scalpel & Stethoscope” (સ્કેલ્પેલ અને સ્ટેથોસ્કોપના દાયરાથી પર) ના વિચાર સાથે આગળ ધપાવવામાં આવ્યું હતું.
મુખ્ય સેવાકીય અને સામુદાયિક આરોગ્ય પ્રવૃત્તિઓ
• વિશ્વ ડાયાબિટીસ દિવસ: ડાયાબિટીસ જાગૃતિ અને સ્ક્રીનિંગ માટે સમગ્ર અમદાવાદ શહેરમાં 100 થી વધુ કેમ્પોનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું.
• CPR તાલીમ અભિયાન: તબીબી ક્ષેત્ર ઉપરાંત સામાન્ય નાગરિકો માટે જીવનરક્ષક CPR તાલીમ યોજવામાં આવી, જેમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ (SVPI) એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ, નેક્સસ મોલ, એ.જી. હાઈસ્કૂલ અને એલ.જે. કોલેજ જેવા સ્થળો આવરી લેવાયા હતા.
• રક્તદાન સપ્તાહ: ડૉક્ટર્સ ડે નિમિત્તે કાંકરિયા લેક, સુમિરણ વુમન્સ હોસ્પિટલ, અબૉટ હેલ્થકેર, અતુલ્ય સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ સહિત વિવિધ 12 કેન્દ્રો પરથી 200 થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.
• ગ્રામીણ આરોગ્ય સેવા: ‘આવો ગાંવ ચલેં’ અંતર્ગત અસલાલી ખાતે ફ્રી મેડિકલ કેમ્પ તેમજ કેન્સર વિજેતાઓ માટે ‘The Golden Voice – Celebration of Life After Cancer’ કાર્યક્રમનું આયોજન થયું હતું.
શૈક્ષણિક સેમિનાર અને નવી પહેલ
• તબીબી ક્ષેત્રે જ્ઞાનના આદાન-પ્રદાન માટે ‘AMA LIVEWELLCON 2026’, ‘Stroke Free Ahmedabad’, કાર્ડિયો-મેટાબોલિક સિમ્પોઝિયમ, રોબોકોન (Robocon) જેવા અનેક પરિસંવાદો અને સેમિનાર યોજાયા હતા.
• હોસ્પિટલ સ્ટાફની કાર્યક્ષમતા અને દર્દીઓ સાથેના વાર્તાલાપને સુધારવા ‘રૂપાંતરણ’ (RUPANTARAN) ટ્રેનિંગ પ્રોગ્રામ અને ગુજરાતને વૈશ્વિક હેલ્થકેર ડેસ્ટિનેશન બનાવવા મેડિકલ ટુરિઝમ કોન્ક્લેવ શરૂ કરવામાં આવ્યા.
• મેડિકલ વિદ્યાર્થીઓ માટે વ્હાઈટ કોટ સેરેમની તથા યુજી નીટ (UG NEET) એડમિશન સેમિનારનું આયોજન કરાયું.
સાંસ્કૃતિક અને રમતગમત પ્રવૃત્તિઓ
• તબીબો વચ્ચે પરસ્પર મિત્રતા અને ખેલદિલી વધારવા માટે ૩૨થી વધુ ટીમો સાથે ‘AMA પ્રીમિયર લીગ’ તેમજ સૌ પ્રથમવાર ‘AMA વુમન્સ પ્રીમિયર લીગ’નું આયોજન થયું હતું.
• કલ્ચરલ અને ફેમિલી કાર્યક્રમો અંતર્ગત રાસ ઉત્સવ, દિવાળી ગેટ-ટુગેધર, સાહિત્ય અને સમાજ, નાદ ભજન, બાલી ફેમિલી ટૂર તથા દસાડા-કચ્છ પિકનિક જેવા કાર્યક્રમો યોજાયા હતા.
• સિનિયર સિટીઝન ક્લબ દ્વારા વૈજ્ઞાનિક સત્રો તેમજ મનોરંજન માટે ‘આનંદ’ અને ‘લાલો – કૃષ્ણ સદા સહાયતે’ જેવી ફિલ્મોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું.


