અમદાવાદ : અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનના પુનર્વિકાસને પગલે આસપાસના રસ્તાઓ પહોળા કરવાની કામગીરી કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી છે. સારંગપુર સર્કલથી ડીસીપી ઝોન-3ની કચેરી સુધીના હાલના 18 મીટર પહોળા રસ્તાને 30 મીટર પહોળો કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ માટે જાહેર જનતાના વાંધા અને સૂચનો મંગાવવા માટે જાહેર નોટિસ પ્રસિદ્ધ કરાઈ છે.
રિપોર્ટ મુજબ, રેલવે લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (RLDA) દ્વારા હાલના કાલુપુર રેલવે સ્ટેશનના સ્થળે આધુનિક સુવિધાઓથી સજ્જ નવા રેલવે સ્ટેશનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ અંદાજે દરરોજ 3.12 લાખ મુસાફરો સ્ટેશનનો ઉપયોગ કરે તેવી શક્યતા છે. મુસાફરોની આટલી મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને સ્ટેશન સુધી પહોંચવા અને ત્યાંથી બહાર નીકળવા માટે યોગ્ય ટ્રાફિક વ્યવસ્થા ઊભી કરવાની તેમજ આસપાસના વિસ્તારોમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવું જરૂરી બન્યું છે.
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન આવતા સેંકડો મુસાફરોની સુગમ અવરજવર અને આસપાસના વિસ્તારમાં ટ્રાફિક જામ ઘટાડવા માટેની યોજનાના ભાગરૂપે AMC દ્વારા રસ્તા પહોળા કરવાની આ કામગીરીમાં સારંગપુર સર્કલથી ડીસીપી ઝોન-3ની કચેરી સુધીના માર્ગની સૂચિત રોડલાઇનમાં આવતી અંદાજે 17 મિલકતોને તોડી પડાશે. આ મિલકતો સંબંધિત પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કુલ 2,965 ચોરસ મીટર જગ્યા હયાત રસ્તામાં સમાવેશ થશે. હાલના 18 મીટરના રસ્તાને 30 મીટર સુધી પહોળો કરવાથી આ માર્ગ પર વાહનવ્યવહારની ક્ષમતા વધારવામાં અને રેલવે સ્ટેશન તરફના રોડ પર અવર-જવર વધુ સરળ રહેશે.
સારંગપુર સર્કલથી રોજી સિનેમા તરફ જતા માર્ગ પર આવેલી દુકાનો મામલે પણ AMC દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભાડા તથા પરમિટના ધોરણે ફાળવવામાં આવેલી આ દુકાનોની જગ્યા કોર્પોરેશનને પરત સોંપવા માટે સંબંધિત દુકાનધારકોને નોટિસ આપવામાં આવી છે. નિયમાનુસારની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ વિસ્તારને દબાણમુક્ત કરીને કાલુપુર રેલવે સ્ટેશન તરફથી અવરજવર માટે વધુ પહોળો માર્ગ જાહેર જનતાના ઉપયોગ માટે ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે.


