અમદાવાદ : કોંગ્રેસ અને વિપક્ષ દ્વારા SIR (સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન) મુદ્દે ફેલાવવામાં આવતી ભ્રામક માહિતી સામે તથ્યો ઉજાગર કરવા અને લોકતાંત્રિક સંસ્થાઓ પ્રત્યે જનવિશ્વાસ મજબૂત કરવા ભાજપે ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો અભિયાન’ શરૂ કર્યું છે. આ અભિયાન અંતર્ગત આજે (27 ઓક્ટોબર) અમદાવાદના નવા વાડજ ખાતે વ્યાસવાડી ચાર રસ્તા પાસે વિશાળ પદયાત્રાનું આયોજન કરાયું હતું.
રિપોર્ટ મુજબ, અમદાવાદમાં નવા વાડજ વ્યાસવાડી ચાર રસ્તાથી ભગવાન પરશુરામની પ્રતિમા પાસેથી સુભાષબ્રિજ સુધીની 1થી 1.5 કિલોમીટર લાંબી પદયાત્રા યોજાઈ હતી. આ પદયાત્રામાં CM ભુપેન્દ્ર પટેલ, DyCM હર્ષભાઈ સંઘવી, જે.પી. નડ્ડા સહિત અનેક દિગ્ગજો સ્થાનિક ધારાસભ્યો, સાંસદો, પક્ષના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. પદયાત્રા દ્વારા ભાજપે પોતાના રાજકીય અભિયાનને જનતા સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે.કોંગ્રેસ અને વિપક્ષ દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ પ્રદર્શનો સામે ભાજપે હવે આક્રમક વલણ અખત્યાર કરીને વળતો મોરચો માંડ્યો છે.
આ પદયાત્રા પહેલા વ્યાસવાડી ચાર રસ્તા ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે લોકતંત્ર બચાવવા અને અરાજકતા હટાવવા માટે ઉત્તર ઝોનના હજારો નાગરિકો જોડાયા છે. અહીં સતત ગુંજી રહેલા ‘ભારત માતા કી જય’ના નારા એટલા બુલંદ છે કે બહેરા લોકો પણ સાંભળી શકશે. રાહુલ ગાંધીએ એક પછી એક ચૂંટણી હારીને દેશ જ નહીં, પરંતુ દુનિયામાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હોવાનો કટાક્ષ કર્યો હતો.
કેન્દ્રીય મંત્રી અને પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ જણાવ્યું કે, કોંગ્રેસે જે અરાજકતા ફેલાવી છે, તેને તોડી નાખવાની છે. દુનિયા ભારતના ઇલેક્શન કમિશનને ઉદાહરણ માને છે, પરંતુ વિપક્ષના નેતા અને વિપક્ષ જે કહી રહ્યા છે. ચૂંટણી હારી જાય તો ઇલેક્શન કમિશનને દોશી માને છે. ગુજરાતમાં ગીરમાં વર્ષ 2024માં એક જ મત હતો, ત્યારે ઇલેક્શન કમિશનર પગપાળા ચાલી, એક મત મેળવવા બુથ લગાવતા હતા.
ભાજપ દ્વારા આ આયોજનને ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ સૂત્ર હેઠળ પ્રજા સમક્ષ લઈ જવામાં આવી રહ્યું છે. ભાજપ નેતૃત્વનો સ્પષ્ટ આરોપ છે કે વિરોધ પક્ષ કોંગ્રેસ દેશ અને રાજ્યમાં ખોટા ભ્રમ ફેલાવીને અરાજકતા ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. લોકશાહી ઢાંચાને મજબૂત રાખવા અને પ્રજા સમક્ષ સાચી હકીકતો મૂકવા માટે આ જનપ્રદર્શન યોજવામાં આવ્યું છે.


