અમદાવાદ : અમદાવાદ શહેરની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે ત્રણ નવા પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યા છે. દિવાળી પર્વ અને રમા એકાદશીના શુભ અવસરે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે મોટેરા, વસ્ત્રાલ અને હંસપુરા ખાતે નવનિર્મિત પોલીસ સ્ટેશનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ત્રણ પોલીસ સ્ટેશન શરૂ થતાં અમદાવાદ શહેરમાં પોલીસ સ્ટેશનોની સંખ્યા 49થી વધીને 52 થઈ છે.
રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા માટે ત્રણ નવા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. હર્ષ સંઘવીના હસ્તે હંસપુરા, વસ્ત્રાલ અને મોટેરા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે અમદાવાદ શહેરમાં પોલીસ સ્ટેશનની સંખ્યા 49થી વધીને હવે 52 થઈ ગઈ છે. નવા પોલીસ સ્ટેશન શરૂ થવાથી સ્થાનિક નાગરિકોને ફરિયાદ નોંધાવવા કે પોલીસ સંબંધિત કામગીરી માટે દૂર સુધી જવું નહીં પડે અને તેમના સમય તથા શ્રમની બચત થશે.
આ લોકાર્પણ સમારોહમાં શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શનાબેન વાઘેલા, અમદાવાદના મેયર હિતેશ બારોટ, રાજ્યના ડીજીપી વિકાસ સહાય / પોલીસ વડા, સાંસદ હસમુખ પટેલ, ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, ડો. પાયલ કુકરાણી, કંચનબેન રાદડિયા, અમદાવાદ પોલીસ કમિશનર જી. એસ. મલિક, ડેપ્યુટી મેયર અંજુબેન શાહ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ, પોલીસ જવાનો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, નવા પોલીસ સ્ટેશન શરૂ થવાથી સ્થાનિક નાગરિકોને પોલીસ સંબંધિત સેવાઓ વધુ સરળતાથી મળી શકશે. પાસપોર્ટ સહિતની પોલીસ વેરિફિકેશન જેવી કામગીરી પણ પોતાના વિસ્તારની નજીક થઈ શકશે. તેમણે ગુજરાત પોલીસની કામગીરીનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, રાજ્યમાં PSI કક્ષાના પોલીસ સ્ટેશનોને PI કક્ષાના બનાવવામાં આવ્યા છે. સાથે જ MD ડ્રગ્સના કુખ્યાત આરોપીઓને પકડી પાડવામાં ગુજરાત પોલીસને સફળતા મળી છે.
નવા પોલીસ સ્ટેશન કાર્યરત થવાથી સ્થાનિક નાગરિકોને ફરિયાદ નોંધાવવા, રજૂઆત કરવા અને પોલીસને લગતી કામગીરી માટે દૂર સુધી જવું નહીં પડે. જેના કારણે નાગરિકોના સમય અને શ્રમની બચત થશે તેમજ સ્થાનિક સ્તરે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદૃઢ બનશે. લોકાર્પણ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ પોલીસ જવાનોની કામગીરીને બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, અસામાજિક તત્ત્વો અને ગુનેગારોમાં કાયદાનો ડર હોવો જોઈએ, જ્યારે સામાન્ય અને ગરીબ નાગરિકો પોલીસ સ્ટેશનમાં આવે ત્યારે તેમને સન્માનજનક વાતાવરણ મળવું જોઈએ.
નાગરિકોની ફરિયાદ સાંભળીને ત્વરિત ન્યાય અપાવવાનો સંવેદનશીલ અભિગમ રાખવો જરૂરી છે. મોટેરા પોલીસ સ્ટેશન વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ ઉપરાંત તાજેતરમાં કરોડો રૂપિયાના એમ.ડી. અને હેરોઇન ડ્રગ્સ સાથે આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ કરવા બદલ ક્રાઈમ બ્રાન્ચની કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી. નવરાત્રી દરમિયાન લાખો ખેલૈયાઓને સુરક્ષા આપવા બદલ પણ પોલીસનો આભાર વ્યક્ત કરાયો હતો.
દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને નાના વેપારીઓ, લારી-ગલ્લા ધારકો અને પાથરણાવાળાઓને શાંતિપૂર્ણ રીતે વેપાર કરી શકે તેવું વાતાવરણ પૂરું પાડવા પોલીસને અપીલ કરવામાં આવી હતી. પોલીસ જવાનોની 18-18 કલાકની ફરજ અને નિષ્ઠાને બિરદાવતાં તેમને પરિવાર સાથે દિવાળી ઉજવવાની પણ શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આમ, અમદાવાદમાં ત્રણ નવા પોલીસ સ્ટેશન શરૂ થવાથી શહેરની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂતી મળવાની આશા છે.


