અમદાવાદ : અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતા બુટલેગરો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. LCB પોલીસકર્મીએ ફિલ્મી ઢબે એકટીવા પર ફોરવ્હીલમાં સવાર બુટલેગરનો પીછો કરીને દારુ અને ફોરવ્હીલ સહીત કુલ રૂ.17.31 લાખના મુદ્દામાલ સાથે બે આરોપીની ધરપકડ કરીને દારુ આપનાર અને મંગાવનાર સહીત પાંચ આરોપીઓની શોધખોળ શરુ કરી છે.
રિપોર્ટ મુજબ, બાતમી મુજબની ક્રેટા કાર શહેરના મણિનગર ઝગડિયા બ્રિજ પાસેથી પસાર થતાં જ બે પોલીસ કોન્સ્ટેબલે તેને રોકવાનો ઈશારો કર્યો હતો. જોકે, ચાલકે કાર ઊભી રાખવાને બદલે હંકારી મૂકી હતી. LCB ટીમે તાત્કાલિક એક્ટિવા પર કારનો પીછો કર્યો હતો અને આગળ જઈને કારને આંતરી લીધી હતી. પોલીસે કારમાંથી સાહિલ ઉર્ફે બોબી ઉર્ફે ભેદરો વાઘેલા (ઉં.વ. 22, રહે. કાગડાપીઠ) અને ધ્રુવ ઉર્ફે ધુલિયો પરમાર (ઉં.વ. 22, રહે. કાગડાપીઠ)ની ધરપકડ કરી છે.
પોલીસે બે આરોપીઓની ધરપકડ સાથે દારૂ, બિયર અને કાર સહિત કુલ રૂ. 17.31 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.આ બંને જણા આ દારૂનો જથ્થો કાગડાપીઠ, ખોખરા અને અમરાઈવાડી વિસ્તારમાં પહોંચાડવાના હતા. પોલીસે દારૂ સપ્લાય કરનાર અને મંગાવનાર સહિત અન્ય 5 આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને આગળની તપાસ શરૂ કરી છે.


