અમદાવાદ : દિવાળીના પાવન પર્વ નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના યુસીડી ડિપાર્ટમેન્ટ દ્વારા માનવતાની ભાવના અને સામાજિક સહભાગિતાના અભિગમ સાથે શહેરના વિવિધ ઝોનમાં આવેલા ઘરવિહોણા લોકો માટેનાં આશ્રયગૃહોમાં આશ્રિતો સાથે દિવાળીના તહેવારની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.
રિપોર્ટ મુજબ, આ પ્રસંગે અમદાવાદ મહાનગરપાલિકાના યુસીડી વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રી, ડાયરેક્ટરશ્રી – યુસીડી સહિત વિવિધ ઝોન અને વિભાગના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ, વિભાગના વડાશ્રીઓ (HOD), ડેપ્યુટી HODશ્રીઓ, એડિશનલ સિટી ઇજનેરશ્રીઓ તથા ડેપ્યુટી સિટી ઇજનેરશ્રીઓ વિવિધ આશ્રયગૃહો ખાતે ઉપસ્થિત રહ્યા હતા.
ઉપસ્થિત અધિકારીશ્રીઓએ આશ્રયગૃહોમાં રહેતા આશ્રિતો સાથે આત્મીયતાપૂર્વક સમય વિતાવી દિવાળીની ખુશીઓ વહેંચી હતી. આ દરમિયાન આશ્રિતોને મીઠાઈ ખવડાવી તથા ફટાકડાનું વિતરણ કરી તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. અધિકારીઓની આ આત્મીય ઉપસ્થિતિથી આશ્રયગૃહોમાં આનંદ, ઉમંગ અને ઉત્સાહભર્યું વાતાવરણ સર્જાયું હતું.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત આશ્રયગૃહો માત્ર ઘરવિહોણા નાગરિકોને આશ્રય આપવાનું જ નહીં, પરંતુ તેમની સુખાકારી, સામાજિક જોડાણ અને જીવનમાં ખુશીઓ જળવાઈ રહે તે માટે પણ સતત પ્રયત્નશીલ છે. દિવાળીના પર્વે આયોજિત આ ઉજવણીનો મુખ્ય હેતુ સમાજના દરેક વર્ગના નાગરિકો તહેવારની ખુશીઓમાં સહભાગી બની શકે અને કોઈપણ વ્યક્તિ તહેવારના આનંદથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવાનો હતો.


